વલસાડઃ આજે દરેક ભારતીયો માટે આધારકાર્ડ એક અનિવાર્ય હિસ્સો બની ગયું છે. સરકાર પણ વિવિધ યોજનાના લાભો આધારકાર્ડના ઓથેન્ટિફિકેશન બાદ જ આપે છે. આધારકાર્ડમાં ખોટી વિગતો આવી ગઈ હોય તો અરજદાર અપડેશન કરાવીને સાચી વિગતો કરાવી શકે છે. અહીં જ વલસાડના અંતરિયાળ ગામો અને કપરાડા પંથકના ગ્રામીણોને તકલીફ પડી રહી છે. આધારકાર્ડના અપડેશનને લઈને તેમના ફિંગર પ્રિન્ટ સીસ્ટમમાં એક્સેપ્ટ થતા નથી તેથી તેઓ વિવિધ સરકારી યોજનાના લાભોથી વંચિત રહે છે. તેમજ આધારકાર્ડ અપડેશન માટે વારંવાર ધક્કા ખાવાથી ગરીબ વૃદ્ધોને આર્થિક માર પણ પડી રહ્યો છે.
અનેક તકલીફોઃ શિક્ષિત અને શહેરીજનોને આધારકાર્ડ ઈશ્યૂ કરાવવામાં અને અપડેશન કરાવવામાં તકલીફો પડતી નથી, પરંતુ ગ્રામીણ, ગરીબ, અશિક્ષિત અને વૃદ્ધોને આધારકાર્ડમાં અપડેશન મામલે લોઢાના ચણા ચાવવા પડી રહ્યા છે. સામાન્ય રીતે આ લોકો ખેતમજૂરીનું કામ કરતા હોવાથી તેમની ફિંગર પ્રિન્ટ ઘસાઈ ગઈ હોવાથી સ્કેનરમાં તે સ્કેન થતી નથી. જેથી સીસ્ટમમાં અપલોડ પણ થતી નથી. આ ઉપરાંત આધારકાર્ડ માટે આ વૃદ્ધો જ્યારે જન્મ્યા ત્યારે બર્થ સર્ટિફિકેટ વિશે કોઈ અવેરનેસ ન હોવાથી તેમની પાસે બર્થ સર્ટિફિકેટ નથી. આધારકાર્ડમાં ગવર્મેન્ટનું બર્થ સર્ટિફિકેટ ફરજિયાત હોવાથી આ ગ્રામીણ વૃદ્ધોને બર્થ સર્ટિફિકેટ કઢાવવામાં પણ સમસ્યાઓ નડી રહી છે. વકીલ મારફત એફિડેવિટ કરાવીને 90 દિવસે બર્થ સર્ટિફિકેટ મળે છે. જેનાથી ગ્રામીણ ગરીબો અને વૃદ્ધો પરેશાન થઈ રહ્યા છે.
1500 અરજદારોઃ કપરાડા પંથકમાં રહેતા લોકોને આધારકાર્ડ ઈશ્યૂ કરાવવા કે અપડેશન કરાવવા માટે માત્ર એક આધાર સેન્ટર પર આધાર રાખવો પડે છે. આ સેન્ટર કપરાડા ખાતે આવેલ છે. આ સેન્ટરમાં મહિનામાં 1500થી 2000 અરજદારો નામ, જનમતારીખ સુધરાવવા આવે છે. જેમને ફિંગર પ્રિન્ટને લઈને સમસ્યા નડી રહી છે.
આર્થિક રીતે માર પડે છેઃ ફિંગર પ્રિન્ટની સમસ્યા માટે ગ્રામીણ વૃદ્ધોને અઠવાડિયા સુધી હથેળીમાં કોપરેલની માલીશ કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યારબાદ ફરીથી બોલાવવામાં આવે છે. આવું કરવામાં અરજદારોને 3થી 4 ધક્કા ખાવા પડે છે. જે ગરીબ વૃદ્ધો માટે આર્થિક માર સહન કરવા બરાબર છે. આ ઉપરાંત બીજો રસ્તો એ છે કે તેઓ 4 વખત ફિંગર પ્રિન્ટ અપડેશન માટે આવે ત્યારે અપાતી પહોંચનો હાયર ઓથોરિટીને મેલ કરવામાં આવે અને ત્યાંથી ઓથેન્ટિકેશન થઈ ગયા બાદ તેમને આધારકાર્ડ મળી શકે છે. જો કે આ દરેક ઉપાય ગરીબો, ગ્રામીણ અને અશિક્ષિત લોકો માટે મોંઘા અને બોજારુપ છે.
હું આધારકાર્ડમાં જન્મતારીખ સુધારવા માટે આવ્યો છું. મેં 3 વખત ધક્કા ખાધા છે, પણ વારંવાર રિજેકશન આવી રહ્યું છે. મને તલાટી પાસેથી પ્રમાણપત્ર લાવવા માટે કહેવામાં આવ્યું છે. હવે તલાટી બીજા પુરાવા માંગે છે...ગણપત સોમા(અરજદાર, કપરાડા)
અમને આધાર સેન્ટરમાં વારંવાર આવવાનું મોંઘુ પડી જાય છે. આધાર સેન્ટરવાળા અમને આજે નહિ કાલે, કાલે નહિ પરમદિવસે બોલાવે છે. દૂર જંગલ વિસ્તારમાંથી આવતા ગરીબોને ધક્કા ખાવામાં ભાડુ જ મોંઘું પડી રહ્યું છે...સોમા ખાડમ(અરજદાર, કપરાડા)
દર મહિને અમારા આધાર સેન્ટર પર 1500થી 2000 અરજદારો આવે છે. જેમાં મોટાભાગે વૃદ્ધો હોય છે. આ વૃદ્ધોની ફિંગર પ્રિન્ટ ઘસાઈ ગઈ હોય છે. જેથી બાયોમેટ્રિક્સમાં પ્રોબ્લેમ થાય છે. આ પ્રોબ્લેમમાં યુઆઈડી તરફથી 4 એટેમ્પની પરમિશન આપવામાં આવી છે. આ 4 એટેમ્પની રીસિપ્ટનો ઈમેલ હાઈઓથોરિટીને કરવામાં આવે છે. ત્યાંથી ઓથેન્ટિફિકેશન આવી જતા આધાર વેરિફેકશનમાં મુકવામાં આવે છે...બિપીન પટેલ(કર્મચારી, આધાર સેન્ટર, કપરાડા)