વલસાડઃ ધરમપુર ખાતે રાજા રજવાડા સમયના અનેક મંદિરો આવેલા છે. આ મંદિરો કેટલાક જર્જરિત હાલતમાં છે, તો કેટલાકને સ્થાનિકોના સહયોગથી ફરીથી દૂર કરવામાં આવ્યા છે. ધરમપુરમાં વર્ષો જૂના કાળા રામજી મંદિર નજીક આવેલી બે રૂમો જે વર્ષો પહેલા રાજાએ ધાર્મિક કામગીરી માટે આપી હતી.
આ બંને રૂમોમાં અનેક આધ્યાત્મિક ગુરૂઓ આવીને વસવાટ કર્યો હોવાનું માનવામાં આવે છે. જેમાં ભગવાન સ્વામિનારાયણથી લઈ અવધૂત મહારાજ અને અન્ય જાણીતા સંતો પણ અહીં રાતવાસો કરી ગયા હોવાના પુરાવા અનેક ગ્રંથોમાં નોંધાયા છે. વર્ષોથી બંધ પડેલી રહેલી જર્જરીત બનેલી આ બંને રૂમો જેનો સીટી સર્વે નમ્બર 1643, અને 1644/અ છે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા સમારકામ અને દેખરેખ માટે સરકાર પાસેથી તારીખ 28-1-2020 માંગવામાં આવી હતી. જેને સરકારે પરિપત્ર તારીખ 29-1-2020 જાહેર કરીને સમારકામ અને દેખરેખ માટે કાયદાકીય રીતે આપી છે.
શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં સંચાલકો દ્વારા આ રૂમ દેખરેખ અને નિભાવણી માટે કબજે લેવાતા સ્થાનિકોના પેટમાં પાણી રહ્યું છે. લોકોમાં રોષ જોવા મળ્યો છે. જેને લઈને સ્થાનિકોએ આ સમગ્ર બાબતનો વિરોધ કરતા મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 20 વર્ષથી ખાલી પડેલી અને બંધ પડેલી આ રૂમમાં વર્ષ 1900ના સમયમાં સતત 30 દિવસ સુધી અહીં શ્રીમદ રાજચંદ્રએ નિવાસ કર્યો હતો. જેને અનુલક્ષીને તેમની કૃતિઓ અહીં રૂમમાં સચવાયેલી છે. આ રૂમની દેખરેખ માટે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તરફથી 20 વર્ષથી આ બંધ રૂમનું સમારકામ અને દેખરેખ માટે સરકારને પત્ર લખીને માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને સરકારે શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્રને કાયદેસર રીતે પરિપત્ર જાહેર કરીને સુપરત કરી છે.
હાલમાં આ બંને રૂમોમાં CCTV કેમેરા તેમજ શ્રીમદ રાજચંદ્રની પ્રતિમા મૂકવામાં આવી છે. જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર બાબતે સ્થાનિકોએ આવેદનપત્ર આપી પરિપત્રમાં લખવામાં આવેલી શરતોનો ભંગ થયો હોવાનું જણાવી રહ્યા છે.