વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના જીતુ ચૌધરીએ આપેલા રાજીનામા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી. કેમકે જીતુભાઈએ કોઈપણ કાર્યકર્તાઓને જાણ કર્યા વિના અચાનક જ ધારાસભ્ય પદેથી તેમજ કોંગ્રેસના દરેક હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે. જેના કારણે કાર્યકર્તાઓમાં ગર્ભિત રોષ જોવા મળ્યો હતો. તો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને કપરાડામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની એક બેઠક મળી હતી. જેમાં રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ જીતુભાઈ ગદ્દાર હોવાના નારા લગાવ્યા હતા તો સાથે સાથે જીતુભાઈ વેચાઈ ગયા હોવાના પણ નારા લગાવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ દિનેશ પટેલે જણાવ્યું કે, જીતુભાઈના ગયા બાદ કપરાડામાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કોઈ ફેરફાર થશે નહીં અને કોંગ્રેસને પણ કોઈ ખોટ પડે એમ નથી. આગામી દિવસમાં રણનીતિ નક્કી કરીને કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં નવા ચહેરાને ઉતારવામાં આવશે. તેમણે કહ્યું કે, જીતુભાઈના ગયા બાદ કાર્યકર્તાઓમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો ભૂલીને આગળ આવી રહ્યા છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દિનેશભાઈએ ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપની રણનીતિ જ એવી છે કે, કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી લેવામાં આવી રહ્યા છે. ના પણ આક્ષેપ તેમણે કર્યો હતો.
મહત્વનું છે કે, કપરાડા તાલુકાના કાર્યકર્તાઓમાં હાલ જીતુભાઈ ચૌધરી સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે. આ બેઠક પણ તેમના વિરોધમાં અનેક નારાઓ કાર્યકર્તાઓએ બોલાવ્યા છે અને કાર્યકર્તાઓએ એવું પણ કહ્યું કે તેમના ગયાથી કોંગ્રેસને કોઇ ખોટ પડે તેમ નથી. તમામ કાર્યકર્તાઓ હજુ પણ સક્ષમ છે અને આગામી દિવસમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેઓ પોતાના તમામ ઉમેદવારોને ઉભા રાખશે.
નોંધનીય છે કે, ગઈકાલે જ્યારે જીતુ ચૌધરીએ રાજીનામું આપ્યું હોવાની વાતો મીડિયામાં આવ્યા બાદ કપરાડા તાલુકામાં રાજકારણ ગરમાયું હતું અને તે સમયથી જ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં રોષની લાગણી જોવા મળી રહી હતી.