વલસાડઃ કોરોનાને કારણે દેશમાં લોકડાઉન કરાયુ છે. ત્યારે લોકડાઉનમાં સમગ્ર દેશના વેપાર ધંધા ફેક્ટરીઓ બંધ છે. પરંતુ ઉદ્યોગો ક્યારે ચાલુ થશે તેની અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જેનો બુધવારે અંત આવ્યો હતો. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા જાહેરાત કરી છે કે 20મી એપ્રિલ સુધીમાં દેશની કેટલીક જીઆઇડીસી અને નિકાસ કરતા એકમોને આંતરિક છૂટછાટ સાથે ફરી શરૂ કરાશે.
ત્યારે જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેથી લોકડાઉન 2 દરમ્યાન જિલ્લાની GIDC માં કેટલાક ઉદ્યોગોને પુનઃ શરૂ કરવાની મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા છૂટ આપવામાં આવશે તેવી આશા વાપીના ઉદ્યોગકારોમાં જાગી છે.
ભારતને એક અંદાજ મુજબ 30 લાખ કરોડનું નુકસાન અર્થતંત્ર થકી થઇ ચૂક્યું છે. વધુ નુકસાન નહીં થાય તે માટે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા 20 એપ્રિલ થી નિકાસ કરતા યુનિટો અને ગુજરાતની ઔદ્યોગિક વસાહતોને કેટલીક છૂટછાટ સાથે શરૂ કરવાની લીલી ઝંડી આપી છે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે એક-બે દિવસમાં સુરક્ષા અને વર્કર કામદારોની સલામતી માટે ખાસ માર્ગદર્શિકા આપવાની જાહેરાત પણ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા કરવામાં આવી છે.