વલસાડ : કપરાડા તાલુકાના કુંડા ગામના ઉપલા ફળીયામાં આઝાદીના 72 વર્ષ બાદ પણ આજ દિન સુધી રોડ ન બનાવવામાં આવતા કુંડા ગામના લોકો વર્ષોથી મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જ્યારે અરણાઈ ગામથી 5 કીમી સુધી વહીવટી તંત્ર રાજકીય આગેવાનો સ્થાનિક ધારાસભ્ય કે, તાલુકા પંચાયતના હોદ્દેદારોએ આજ દિન સુધી ઉપલા ફળીયાના લોકોને પ્રાથમિક જરૂરિયાત રોડની વ્યવસ્થા કરી જ નથી.
અહીં જો કોઈ બિમાર પડે તો લોકો એ 5 કીમી સુધી પગપાળા કે, ઝોળી કરીને દર્દીને લાવવાની ફરજ પડે છે. ત્યારબાદ તેની સારવાર થાય છે. 108 એમ્બ્યુલન્સ પણ અહીં આવતી ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
![Kaprada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-04-noroadtonoelection-photostory-7202749_23072020063020_2307f_1595466020_678.jpg)
આ ઉપરાંત સ્થાનિકોનો આક્ષેપ છે કે, રાજકારણીઓ માત્ર ચૂંટણીના સમયે જેમ વરસાદમાં દેડકા બહાર આવે એમ તેમના ગામમાં આવીને મતો માંગી જૂઠા વચનોની લહાણી કરી જાય છે. જેવી ચૂંટણી પૂર્ણ થાય કે, કોઇ જોવા મળતાં નથી. ત્યારે સ્થાનિકોએ રોષે ભરાઇને આવનારી વિધાન સભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાના બોર્ડ તેમના ફળીયામાં જતા મુખ્ય માર્ગ ઉપર માર્યા છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોઈપણ રાજકારણીઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં.
મહત્વ નું છે કે, કુંડા ગામની વસ્તી 600ની છે. આ વખતે જો તેઓ ચૂંટણીમાં બહિષ્કાર કરશે તો 600 મતથી બંને પક્ષને ચૂંટણીમાં અસર કરશે એ નક્કી છે.