વલસાડ: પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ સમગ્ર ગુજરાતમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ માધ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કપરાડા તાલુકા મથકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની વાત કરીએ તો અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 2184 જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો નોંધાયા છે. જિલ્લામાં 1768 હેકટર જેટલો પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર આવેલો છે. તેમાં 973 હેક્ટર ડાંગર 168 હેક્ટર રાગી અને 299 હેક્ટર અડદનો વિસ્તાર છે. જ્યારે 283 હેક્ટર તુવેરનો પાકનો વિસ્તાર છે.
વલસાડ જિલ્લામાં જીવામૃત બનાવતા ખેડૂતોની સંખ્યા 2184 જેટલી છે. જે ત્રણ હજાર લિટર દૈનિક તેનું ઉત્પાદન કરે છે. આજે આ કાર્યક્રમ દરમિયાન દેશી ગાય નિભાવ યોજના અંતર્ગત 3100 જેટલા ખેડૂતોને દેશી ગાય નિભાવ યોજનાનો ખર્ચ સીધો તેમના ખાતામાં સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે. જેથી કરીને પશુપાલન વ્યવસાયને પણ પ્રોત્સાહન મળે સાથે સાથે પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહિત કરી શકાય. જે કાર્યક્રમ દરમિયાન જીવામૃત કીટ માટે 2641 જેટલા લાભાર્થીઓને જીવામૃત કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ અંતર્ગત 11 જેટલા ખેડૂતોને બેસ્ટ ફાર્મર તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેમજ સાલ ઓઢાડી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આવા બેસ્ટ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે 1 થી 3 આ નંબર ઉપર આવેલા ખેડૂતોને 25 25 હજાર જેટલી રકમ જ્યારે અન્ય ખેડૂતોને 10,000 જેટલી રકમ પ્રોત્સાહન રૂપે આપવામાં આવી હતી. તે તમામનો ચેક પણ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, આવનારા સમયમાં ગુણવત્તાયુક્ત અને રસાયણ મુક્ત ખેતપેદાશ પૌષ્ટિક આહાર જમીન અને પર્યાવરણ સુધારણા વગેરે જેવી જરૂરી અભિગમ માટે પ્રાકૃતિક કૃષિ એક ઉત્તમ વિકલ્પ રૂપમાં સામે આવી છે. ત્યારે દેશી ગાયના નિભાવ ખર્ચ માટે રૂપિયા 900 પ્રતિમાસ ની સહાય કુલ એક લાખ પાંચ હજાર લાભાર્થીઓને રૂપિયા 66.50 કરોડની જોગવાઈ અને દેશી ગાયના છાણ ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ કિટ માટે 1350 પ્રતીકની સહાય કુલ 100000 લાભાર્થી ખેડૂતો માટે રૂપિયા 13.50 કરોડની જોગવાઇવાળી બે યોજનાઓ સાત પગલાં ખેડૂત કલ્યાણના ભાગરૂપે અમલમાં મુકવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન આદિજાતિ વિકાસના રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકર, વલસાડ જિલ્લા કલેકટર આર રાવલ, ડીડીઓ અર્પિત સાગર, પૂર્વ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, જિલ્લા પંચાયત સભ્ય ગુલાબભાઈ રાઉત સહિત કપરાડા વિસ્તારના અનેક અગ્રણીઓ અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.