સુરતમાં થયેલા અગ્નિકાંડમાં મદદ કરવાના બદલે વીડિયોગ્રાફી કરનારાઓ સામે સોશિયલ મીડિયા ઉપર ફીટકાર વરસી રહ્યો હતો. પણ પરિસ્થિતીમાં પરિવર્તન નથી આવ્યુ. કારણ કે, પલાયનવૃતિ એ માનવસહજ સ્વભાવ થઈ ગયો છે. આપણે હંમેશા બીજાને સલાહ આપીએ છે અને અન્ય પાસે સારા વ્યવહારની અપેક્ષા રાખીએ છે. મદદ માટે તત્પર રહેતા ગુજરાતીઓ હવે વીડિયો ઉતારવા માટે જ તત્પર રહેતા હોય. જેનો એક કિસ્સો સામે આવ્યો છે.
ઘટનાની હકીકત એવી છે કે, વલસાડના ઉમરગામ રેલ્વે સ્ટેશન પાસે મુંબઈ તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનની નીચે યુવાનનો પગ આવી ગયો હતો. ટ્રેનનાં ભારેભરખમ પૈડા મુંબઈના હસુરામ દેસાઈના પગ પરથી ફરી જતા એક જ સેક્ન્ડમાં તેની જીંદગી પાંગળી થઈ ગઈ હતી. આ અકસ્માત તો ભયાનક હતો જ પણ પછી જે થયુ એ એના કરતા પણ વધારે ચોંકાવનારુ હતું. લોહીથી લથબથ પગ સાથે તે તડપી રહ્યો હતો. પહેલા તો જાણે સરકસ ચાલતુ હોય તેમ લોકો આ કણસતા યુવાનને જોવા ટોળે વળી ગયા. પછી આદત પ્રમાણે શરુ કરી દીધુ વીડિયો ઉતારવાનું. વીડિયો ઉતારવામાં મશ્ગુલ લોકોને એ ભાન જ ના પડી કે સામે જમીન પર પડેલો યુવાન મૃત્યુથી હાથવેંત દુર છે.
બે ઘડીની આળસાઈ અથવા તો સતર્કતા એ યુવાન જીવતો રહેશે કે તેનુ મૃત્યુ થશે તે નક્કી કરવાનું હતું. આ વચ્ચે કેટલાકે મદદ માટે તૈયારી બતાવી પણ કોને ફોન કરવો અને કેવી રીતે મદદ કરવી એ તેમને સમજાયુ નહી. સામે મોતને જોઈને યુવાન જીવનની ભીખ માગતો રહ્યો. મદદ માટે આજીજી કરી. મદદ માટે હાથ જોડ્યા પછી વીડિયો ઉતારતા લોકોને મદદ કરવાની અક્કલ આવી. માગ્યા પછી મદદ કરનાર લોકોએ ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને બોલાવી અને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. ઘટનાની જાણ થતા તેના પરિવારન સભ્યો પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં. પણ આ ઘટના શરમજનક તો છે જ પણ સાથે સાથે એ સંદેશો પણ આપી જાય છે કે, આપણી સામે જ્યારે આવી પરિસ્થિતી ત્યારે આપણે શું કરવું જોઈએ?