વલસાડઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સમગ્ર દેશના લોકોએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ત્યારે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને ભાજપ તરફથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં જિલ્લાના આરોગ્ય વાંચ્છુક લોકોના આરોગ્યની સંભાળ લેવા માટે દરેક મુખ્ય આરોગ્ય મથકોએ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં આરોગ્યને લગતી તકલીફો વાળા લોકોની તપાસ કરી જરૂરી મદદ અને દવાઓ પૂરી પાડી હતી. આ સાથે જિલ્લામાં વિકલાંગોને સન્માન અને સહાય, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. છીરી ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા આરોગ્ય કેમ્પમાં ધારાસભ્ય કનુ દેસાઈના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લાના ડેપ્યૂટી DDO, વાપી તાલુકાના TDO, છીરી ગામના સરપંચ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સર્વરોગ નિદાન કેમ્પમાં છીરી આરોગ્ય કેન્દ્ર ખાતે 04 મેડિકલ ઓફિસર, 10 MPW, 10 નર્સ સહિત આશાવર્કર બહેનો મળી 30 જેટલા આરોગ્ય કર્મીઓએ લોકોને તપાસી જરૂરી માર્ગદર્શન સાથે વિનામૂલ્યે દવાઓનું વિતરણ કર્યું હતું.