વલસાડઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામમાં રાયણીવાળા દાદા તરીકે પ્રખ્યાત હનુમાન મંદિરના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. એક સમયે 40 હજાર ભક્તો જ્યાં મહાપ્રસાદ લેતા હતા, શીશ જુકાવતા હતા તે 400 વર્ષ જુના કલગામ હનુમાન મંદિરે કોરોનાના સોશિઅલ ડિસ્ટન્સને કારણે 40 લોકો પણ ભેગા નથી થયા.
દેશમાં કોરોના સંક્રમણને તોડવા લૉકડાઉન અમલી બનાવ્યું છે. મંદિરોમાં પણ ભક્તોને ભીડ નહિ કરવાનું ફરમાન જાહેર કર્યું છે. જેને લઈને હનુમાન જયંતીના પર્વ દરમ્યાન પ્રસિદ્ધ કલગામ હનુમાન મંદિરના ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે ચાર વાગ્યે હનુમાન મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ મુજબ મંદિરના પૂજારીઓ દ્વારા હોમ હવન, યજ્ઞ અને આરતી કરવામાં આવી હતી અને સમગ્ર દેશ કોરોના જેવી મહામારીના સંકટમાંથી બહાર નીકળે એવી હનુમાનજીને પ્રાર્થના કરી હતી.
40 હજાર ભક્તોનો જ્યાં મહાપ્રસાદ બનતો હતો આજે ત્યાં 40 લોકો પણ નથી આ મંદિરના 400 વર્ષના ઇતિહાસમાં દર્શનાર્થીઓ વગર આરતી કરવામાં આવી હોય તેવું પ્રથમ વખત બન્યું હતું. પ્રથમ વખત હનુમાન જયંતિએ 40 હજાર ભક્તોની સામે 40 ભક્તો પણ દર્શને આવી શક્યા નથી. ડુંગરાળ અને લીલાંછમ જંગલોથી ઘેરાયેલા ઉમરગામ તાલુકાના ભીલાડ-સરીગામ પંથકમાં ભક્તિ અને સેવાનું આસ્થા કેન્દ્ર બનેલા કલગામના હનુમાન દાદા ભક્તોમાં પ્રચલિત માન્યતા મુજબ કલગામમાં આવેલા એક રાયણના ઘટાદાર વૃક્ષમાંથી સ્વયંભૂ પ્રગટ થયા છે, એટલે તેને રાયણીવાળા હનુમાન તરીકે પૂજે છે. હનુમાન દાદાના સાંનિધ્યમાં દર વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે. મહાવદ સાતમે પાટોત્સવ, રામનવમી, હનુમાન જયંતી, ગણેશ ચતુર્થી અને તુલસી વિવાહની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત શ્રાવણ માસના દરેક શનિવારે અહીં મેળો ભરાય છે. મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી પગપાળાએ દર્શન કરવા માટે આવે છે. પરંતુ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે, જેને કારણે સરકાર દ્વારા સોશિઅલ ડિસ્ટન્સને પ્રાધાન્ય આપી સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કર્યું છે. આ વાયરસ ભીડમાં ઝડપભેર પ્રસરતો હોવાથી સરકારે ભીડભાડ વાળા તમામ સ્થળોને બંધ કરાવી દીધા છે, જેમાં મંદિરો પણ બાકાત નથી, સરકારના આદેશ બાદ કલગામ હનુમાન મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને હનુમાન ભક્તોએ પણ સારો આવકાર આપ્યો છે.