વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર યથાવત છે, આજે પણ સતત મેઘરાજા એ તોફાની બેટિંગની શરુઆત સવારે 7 વાગ્યા થી શરૂ થઈ હતી. જેને પગલે કપરાડા અને ધરમપુર માં સવારે 6 થી 10 દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ પડતાં કોલક નદી બંને કાંઠે વહી હતી. કોલક નદી ઉપર બનેલા અનેક નીચાણવાળા બ્રિજ ઉપર થી પાણી ફરી વળ્યાં હતા. જેમાં અંભેટી ગામે રાય વાડી ફળીયા અને અંબાચ ને જોડતો બનેલો કોઝવે કમ બ્રિજ ઉપર કોલક નદીના પાણી ફરી વળ્યાં હતા. તો બંને ગામનો વચ્ચે સંપર્ક પણ કપાયો હતો.
સ્થાનિકોએ જણાવ્યું કે દર વર્ષે બ્રિજ નીચો હોવાને કારણે વરસાદના સમયે નદીમાં પાણીની આવક થતા આ પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે. તો ગત વર્ષે બ્રિજનો એક તરફનો ભાગ ધોવાઈ ગયો હતો. જેને સ્થાનિક યુવકોએ સ્વંય સુધાર્યો હતો આમ દર વર્ષે અહીં લોકોની સ્થિતિ ચોમાસા દરમ્યાન દયનિય બને છે.