ભીલાડઃ કોરોનાના કહેરને નાથવા રાજ્ય સરકાર બનતા તમામ પ્રયાસો કરી રહી છે. હાલમાં જ ગુજરાતના અમદાવાદ, રાજકોટ સહિતના 4 જેટલા શહેરોને લોકડાઉન કર્યા બાદ હવે રાજ્યની મહારાષ્ટ્ર્ અને સંઘપ્રદેશને જોડતી સરહદ પરથી ગુજરાતમાં પ્રવેશી રહેલા પેસેન્જર વાહનોને જે તે સ્થળે પરત મોકલવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં ગુજરાત મહારાષ્ટ્રની ભિલાડ અને સંઘપ્રદેશ સેલવાસ દમણની સરહદો પર વલસાડ પોલીસ આ કામગીરી બજાવી રહી છે.
આ અંગે વલસાડના વાપી ડિવિઝનના DySp વિરભદ્રસિંહ જાડેજાએ વિગતો આપી હતી કે, હાલમાં રાજ્ય સરકારના આદેશ મુજબ મહારાષ્ટ્ર કે અન્ય રાજ્ય-સંઘપ્રદેશમાંથી ટેક્સી જેવા પેસેન્જર વ્હિકલમાં જે લોકો આવી રહ્યા છે. તેઓને પરત મોકલવામાં આવી રહ્યાં છે. જ્યારે ખાનગી વ્હિકલ અને નાના વ્હિકલ માટે કોઈ સૂચના ના હોય તેઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
વલસાડ જિલ્લાના ભિલાડ ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્રમાંથી આવતા મોટાભાગના પેસેન્જર વ્હિકલોને પરત રવાના કરાયા હતાં. જ્યારે અન્ય વ્હિકલના મુસાફરોને આરોગ્ય વિભાગની ટીમે કોરોનાના લક્ષણો છે કે કેમ તે અંગેની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.