સુરત: નાનપુરા વિસ્તારમાં 1 વર્ષની બહેનની 13 વર્ષના ભાઈએ હત્યા કરી હોવાનો આક્ષેપ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી કિશોરે ઓશિકા વડે બાળકીનું મોઢું અને બાદમાં ગળું દબાવી દીધું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે કિશોરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં બાળકીની મોતની ઘટના: પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સુરતના નાનપુરા વિસ્તારમાં 1 વર્ષની બહેનની 13 વર્ષના ભાઈએ હત્યા કરી હોવાની ઘટના બની છે. આ બનાવ 2 દિવસ પહેલાનો છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકીને સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ બાળકીની તપાસ કરી હતી, જે બાદ ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ પરિવારને આ અંગે પૂંછયું ત્યારે પરિવારના લોકોએ જણાવ્યું કે, બાળકી સવારે ઉઠી જ નહોતી. જેથી ડોક્ટરોએ બાળકીનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી.
PM રિપોર્ટ આવતા ડોક્ટરો ચોંકી ઉઠ્યા: બાળકીના મોત અંગે હોસ્પિટલ તંત્રે નવી સિવિલ હોસ્પિટલ પોલીસ મથકે પણ જાણ કરી હતી. જે બાદ આ મામલો અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં બનેલો હોવાથી અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ હોસ્પિટલમાંથી બાળકીનો રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. તેઓએ તાત્કાલિક રિપોર્ટ અંગે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસને પરિવાર ઉપર શંકા જતા તાત્કાલિક ધોરણે આ બાબતે પરિવારનું પોલીસે નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. જેમાં પોલીસે 13 વર્ષના કિશોરની પણ પૂછપરછ કરી હતી. જેમાં સમગ્ર ઘટના સામે આવી હતી.
આરોપી કિશોરે કરી કબૂલાત: આ બાબતે DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા બારસોલા મોહલ્લામાં 1 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. આ બનાવમાં સૌપ્રથમ વખત પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું દમ ઘુટવાના કારણે મોત થયા હોવાનો ખુલાસો થયો હતો. જેમાં પોલીસે પરિવારની પૂછપરછ કરતા બાળકીનો માસીનો છોકરો મુંબઈથી થોડા દિવસો પહેલા સુરત આવ્યો હતો. જેની ઉંમર 13 વર્ષની હોય તેણે કબૂલ્યું કે, તેણે પોતાની નાની બહેનની મોઢું દબાવીને હત્યા કરી હતી. રાતે 1 વર્ષની બાળકી રડતી હતી અને જેને કારણે તેની ઊંઘ બગડી હતી. જેથી આવેશમાં 13 વર્ષીય કિશોરે પોતાની બહેનનું મોઢું દબાવીને ઓશિકા વડે હત્યા કરી નાખી હતી, સમગ્ર મામલે પોલીસે કિશોરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: