વલસાડ: કહેવાય છે કે ઈશ્વર કીડીને કણ અને હાથીને મણ આપી જ દેતો હોય છે. છેલ્લા 4 દિવસથી પારડી હાઇવે ઉપર સ્થાનિક યુવાનો દ્વારા એક સેવા કરવામાં આવી રહી છે. હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં હાઇવે પરના ધાબા તેમજ હોટલો તમામ બંધ હોવાને કારણે લાંબા અંતરની મુસાફરી કરતા અનેક લોકોને ભોજન વગર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
મુંબઈ-અમદાવાદ હાઇવે પરથી પસાર થતા ટ્રકચાલકો તેમજ કન્ટેનરચાલકોને મુશ્કેલી પડતી હોવાથી આવા ડ્રાઈવરોને ભોજન પૂરું પાડવાનું અનોખું કાર્ય પારડીના યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ યુવાનો દ્વારા ખીચડીના પેકેટ તૈયાર કરીને હાઇવે ઉપર ઉભા રહી આવતા જતા વાહન ચાલકોને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ વાહનચાલકો પણ તેમની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.
હાઇવે ઉપર ભોજન વિતરણ કરતા યુવાનોએ જણાવ્યું કે લોકડાઉનના સમયમાં હાઇવેના ટ્રક ચાલકો કે લાંબા અંતરની મુસાફરી કરતા હોય એવા લોકો માટે આ સેવા શરૂ કરવામાં આવી છે. અમને આનંદ છે કે ઇશ્વરે અમને કોઈની ભૂખ દૂર કરવા માટે નિમિત્ત બનાવ્યા છે દરેક લોકોએ આવા લોકડાઉનના સમયમાં સેવાકીય કાર્ય કરતા રહેવું જોઈએ.