- ભિલાડમાં ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન
- મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો
- ફિઝિયોથેરાપીસ્ટ ડૉ. અલી ઈરાનીએ માર્ગદર્શન આપ્યું
ભિલાડ: ભિલાડમાં હાઇવે નંબર-48 પર ભિલાડના ઇજ્જુશેખ પરિવારે ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં મુંબઈની પ્રખ્યાત નાણાવટી હોસ્પિટલના અનુભવી ડોક્ટરોની ટીમ દ્રારા ફી ચેકઅપ કરવામાં આવ્યું હતું. તો જીવનમાં હંમેશા ફિટ રહેવા શું કરવું અને શું ન કરવું તેનો ગુરુમંત્ર દેશના જાણીતા તેમજ ભારતીય ક્રિકેટ ટીમના ભુતપુર્વ ફિઝયોથેરાપીસ્ટ ડૉ. અલી ઈરાનીએ આપ્યો હતો.
ભિલાડમાં ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન
ભિલાડના ઇજ્જુશેખ પરિવારે રવિવારે ભિલાડ અને તેની આસપાસ રહેતા અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને ભિલાડમાં જ બીમારીનું નિદાન અને માર્ગદર્શન મળી રહે તે માટે ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું. આ ચેકઅપ કેમ્પમાં શરીરના ઘૂંટણના, સાંધાના, સ્નાયુના દુખાવાથી પીડાતા તથા દબાતી નસની કસરત કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નાણાવટી હોસ્પિટલના તબીબોએ નિદાન કર્યું
કેમ્પમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફિઝિયોથેરાપીસ્ટ ડૉ.અલી ઈરાની, મુંબઈના નાણાવટી હોસ્પિટલના પ્રખ્યાત તબીબોએ કેમ્પમાં આવેલા દર્દીઓને રમતગમત વખતે થયેલી ઈજા, ફ્રેક્ચર, પેરાલીસીસ, બાળકોના લકવાની સારવાર, ફેફસા અને હૃદય રોગની સારવાર, જન્મ જાત ખોડ- ખાંપણ, પ્રસુતિ પહેલા અને પછીની જરૂરી કસરતો, કૃત્રિમ હાથ- પગ અને પછીની જરૂરી કસરતો સહિતનું નિદાન અને માર્ગદર્શન પણ આપ્યું હતું.
દેશમાં અનેક લોકો શારીરિક બીમારીથી પીડાઈ રહ્યા છે
જ્યારે દેશના 70 ટકા લોકો વિવિધ શારીરિક બીમારીથી પીડાતા હોવાનું જણાવી આવી બીમારીઓથી દૂર કેવી રીતે રહેવું તે અંગે ફિઝિયોથેરાપીસ્ટ ડૉ. અલી ઈરાનીએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ સૌથી પહેલા તેમના ખાનપાન પર ધ્યાન રાખવું આવશ્યક છે. દેશમાં કેટલાક એવા લોકો છે જેઓનું જીવન સતત બેઠાડુ હોય છે. જ્યારે કેટલાક એવા છે જેઓ સતત દોડધામ કરે છે.
ચુસ્ત-દુરસ્ત રહેવા આટલું કરો
જેનાથી વજન વધવાના, ઘૂંટણના દુખાવાની ફરિયાદ રહે છે. કેટલાકને ડાયાબિટીસ, બ્લડસુગર જેવી બીમારી જકડી રહી છે. પરંતુ જો દરેક નાગરિક તેની દૈનિકચર્યામાં ફેરફાર કરી માત્ર 2 સમય જ જમવાનું રાખે, સુતા પહેલા 3 કલાક વહેલાં જમી લે, યોગ્યમાત્રામાં ઊંઘ લે, શરીરને જરૂરી પૌષ્ટિક આહાર જ લે તો તેઓ આવી અનેક જટિલ બીમારીથી બચી શકે છે.