વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદે વાપીના વરિષ્ઠ પત્રકારના પુત્રને મૃત્યુના ખપ્પરમાં લઈ લેતા વાપી પંથકમાં ગમગીનીનો માહોલ પ્રસર્યો હતો. મૃતક દીપકસિંહ પરમાર મંગળવારે રાત્રે પોતાની વાડીએથી પરત આવતા હતાં. ત્યારે દારોઠા નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર સાથે ડૂબી ગયા હતાં અને મોતને ભેટ્યા હતાં.
મૃતક દીપકસિંહ પરમાર સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના યુવા કોંગ્રેસના માજી પ્રમુખ અને AICC ના માજી સભ્ય તથા અગ્રણી વ્યવસાયિક તેમજ વરિષ્ઠ પત્રકાર પ્રવિણસિંહ પરમારના મોટા પુત્ર હતાં. મંગળવારે તેઓ નરોલીથી તેમના ઉમરગામ તાલુકાના નગવાસ ખાતે આવેલા ફાર્મ હાઉસમાં ગયા હતા. એ સમયે અચાનક ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો.
ધોધમાર વરસાદમાં દીપકસિંહ પરમાર પોતાની ઇનોવા કારમાં ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે, દારોઠા કોઝવે પાસેના આંતરિક માર્ગ પર ડ્રાઇવિંગ કરતી વખતે મુખ્ય માર્ગ અને કોઝવેના છેડાનો ભાગ નહીં દેખાતા કાર સાથે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈને ડૂબી ગયા હતાં.
જ્યારે વહેલી સવારથી સુધીમાં દિપક સિંહ પરમાર તેમના નિવાસસ્થાને નહીં પહોંચતા તેમના પત્નીએ વાપી ખાતે રહેતા પિતા પ્રવિણસિંહ પરમારને જાણ કરતાં તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં દારોઠા નદીના કોઝવે પાસે ઈનોવા કાર ડૂબેલી મળી આવી હતી. જેને તાત્કાલિક પોલીસ અને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
જેમાં તપાસ કરતા દીપકસિંહનો મૃતદેહ પણ હતો. જેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવી તેમના પરિવારને સોંપતા પરિવારજનોએ સેલવાસ ખાતે તેમની અંતિમવિધિ કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર દાદરા નગર હવેલી અને વાપી પંથકમાં શોકનો માહોલ સર્જાયો હતો.