- ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આંબાવાડીમાં મંજરીઓ બેસે છે
- વરસાદ થતા મંજરીમાં ફૂગ કે ઈયળો પડવાની શક્યતાઓ
- વરસાદ થતા મંજરીને સ્થાને આંબે પિલવણી આવી શકે છે
વલસાડઃ વલસાડ જિલ્લામાં થતી હાફૂસ કેરી સમગ્ર વિશ્વમાં જાણીતી છે અને હાફૂસની કલમ એટલી સંવેદનશીલ હોય છે કે તેને હવામાનની સીધી અસર થતી હોય છે. ત્યારે બે દિવસથી આવી પડેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી છે.
- ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મંજરી બેસે છે
સામાન્ય રીતે આંબે મંજરી (ફૂલ) આવવાની સિઝન એટલે ડિસેમ્બર-જાન્યુઆરી-ફેબ્રુઆરી હોય છે અને ફૂલ ઉપરથી જ ખેડૂતો નક્કી કરી શકે છે કે આ વર્ષે પાક કેટલો ઉતરશે. પરંતુ ફૂલ આવવાની સિઝનમાં માવઠાના મારે ખેડૂતની કમર તોડી નાખી છે
• માવઠું કેરીના પાકને શું અસર કરી શકે
સામાન્ય રીતે શિયાળાની ઠંડીમાં આંબે મંજરી આવે છે અને ઠંડકનું વાતવરણ તેને માટે ખૂબ અનુકૂળ હોય છે. પરંતુ માવઠું પડતા હવે હવામાનમાં ઠંડક કરતાં ભેજ વધી ગયો છે અને તેના કારણે ફૂલમાં ફૂગ કે ઈયળોનો ઉપદ્રવ થઈ શકે એમ છે. જ્યાં મંજરી ન હોય એવા સ્થાને પિલવણી(નવાપાન) આવી જશે એટલે કે પાકને નુકસાની થઈ શકે છે.
- વલસાડ જિલ્લામાં 34 હજાર હેક્ટરમાં કેરીનો પાક
વલસાડ જિલ્લામાં હાલ 34 હજાર હેકટરમાં કેરીનો પાક ફેલાયેલો છે અને અનેક ખેડૂતો તેના ઉપર નભે છે. ગત વર્ષે પણ માત્ર 40 ટકા પાક નોંધાયો હતો. આ વર્ષે પણ જો માવઠાને કારણે પાક નુકસાન થશે તો કેરી રસિયાને કેરી ખાવી મોંઘી પડી શકે છે.
- જિલ્લાના અનેક ખેડૂતો કેરીના પાક પર નિર્ભર
વલસાડ જિલ્લામાં અનેક ખેડૂતો કેરીના પાક ઉપર નભે છે. પરંતુ અચાનક આવેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે આવેલા વરસાદને કારણે કેરીના પાકને નુકશાન થવાની ચોક્કસપણે દહેશત વર્તાઈ છે અને ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.