વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકાના બોપી ગામે વહેતી નદીમાં નહાવા ઉતરેલા ભાઈ બહેન સાથે દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની હતી. નદીમાં નહાવા જતા બંને ડૂૂબી રહ્યા હતા. જેમાં 8 વર્ષીય ભાઇનું મોત થયું હતું અને 11 વર્ષીય બહેનને ત્યાંથી પસાર થઇ રહેલા રાહદારીએ બચાવી લીધી હતી.
નદીમાં નહાવા જતા ભાઇ-બહેન ડૂબ્યા: બપોરે નદીમાં નાહવા પડેલા ભાઇ-બહેન 11 વર્ષીય રાધિકા સુભાષ મહલા અને 8 વર્ષીય રાજવીર સુભાષ મહલા અચાનક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ નિર્દોષ બાળકોની ચીસો સાંભળીને ત્યાંથી પસાર થનાર રાહદારી જયદીપ ગુલાબ ગાંવીતેએ તરત જ બચાવવા નદીમાં ઝંપલાવ્યું હતું.
રાહદારીએ બાળકીને બચાવી લીધી: નદી પાસેથી પસાર થઇ રહેલા જયદીપ ગાંવીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને તરત જ નદીમાં કૂદીને બાળકી સુરક્ષિત બહાર કાઢી હતી. રાહદારીએ સમયસૂચકતા વાપરી એટલે બાળકીનો જીવ બચી ગયો, પરંતુ દુર્ભાગ્યે રાજવીરને બચાવી શકાયો નહીં. ઘટના અંગેની જાણકારી મળતા ગામના અગ્રણી બાલુભાઈ સહિત મહિલા સરપંચ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા.
બહેનને બચાવી લીધી પણ ભાઈનો મૃતદેહ મળ્યો: નદીમાં ડૂબેલા બાળકની સ્થાનિકો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટના અંગે ધરમપુર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને બાળક રાજવીરનો મૃતદેહ નદીમાંથી કાઢીને પોલીસે કબજે લીધો હતો. જેને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પુત્રના આકસ્મિક મોતથી સમગ્ર પરિવાર શોકમગ્ન થઇ ગયો છે.
બાળકી ભાનમાં આવતા ભાઇના ડૂબ્યાની વાત કહી: નદીમાં ડૂબી રહેલી 11 વર્ષીય બાળકી રાધિકાને ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીએ તુરંત જ ડૂબતા જોઈ નદીમાં ઝંપલાવી બચાવી લીધી હતી. જેને બહાર કાઢ્યા બાદ રાધિકા ભાનમાં આવતા તેણે પોતાનો ભાઈ પણ સાથે નદીમાં ડૂબ્યો હોવાની વાત જણાવતા પરિવારમાં ખળભળાટ મચી ગયો હતો. જેને લઇને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બાળકની શોધખોળ હાથ ધરાઇ હતી.
ઘટના અંગે પોલીસને જાણ કરાઈ: બાળક ડૂબવાની વાતની જાણ થતા લોકોની ભીડ ઘટના સ્થળે ભેગી થઇ હતી. ઘટના અંગેની જાણ થતા જ ગામના મહિલા સરપંચ સહિત ગામના આગેવાનો સ્થળ ઉપર એકઠા થઇ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ધરમપુર પોલીસ સ્ટેશનને જાણ કરાઇ હતી. ત્યારબાદ પોલીસ કાફલો નદી કિનારે ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
આ પણ વાંચો: