અમરેલી : દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે, પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો જૂની છે. જાણે રણ મેદાનમાં એકબીજાને ભરી પીવાનું યુદ્ધ હોય તેવો માહોલ સાવરકુંડલા શહેરમાં સર્જાયો છે. શું છે આ ઈંગોરીયા યુદ્ધ જોઈએ આ અહેવાલમાં
સાવરકુંડલાનું ઈંગોરીયા યુદ્ધ : હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ હોય છે, એવા જ દ્રશ્યો સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે જોવા મળી રહ્યા છે. હાથમાં જાણે કોઈ ફળ ફ્રૂટ હોય તેમ આ હર્બલ ગણાતો ઈંગોરીયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે. જાણે રણભૂમીનું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલી ગલીએ ખેલાય છે ઈંગોરીયાનું યુદ્ધ.
150 વર્ષ જૂની રમત : ઈંગોરીયા યુદ્ધ 150 વર્ષ જૂની રમત છે અને આજે પણ જળવાઈ રહી છે. આ તકે પોલીસ અને ફાયર વિભાગ સહિત ડોક્ટરોની ટીમ ખડેપગે રાખવામાં આવે છે. આગના ગોળા એકબીજા પર ફેંકીને રમતનો નિર્દોષ આનંદ સાવરકુંડલા વાસીઓ માણે છે.
રાત્રે છૂટ્યા "આગના ગોળા" : સાવરકુંડલામાં રાત્રીના અંધારામાં આ યુદ્ધ ખેલવામાં આવે છે. પ્રકાશના પર્વમાં રાત્રીના દેવળા ગેઈટથી લઈને છેક નાવલી નદી સુધી ઈંગોરીયા યુદ્ધનો માહોલ જામે છે. રમતવીરો આ રમતનો મુક્તમને આનંદ ઉઠાવે છે. ઈંગોરીયાનું યુદ્ધ જોવા મોટી સંખ્યામાં લોકો પણ આવે છે.
કોમી એકતાનું પ્રતિક : ઈંગોરીયા યુદ્ધનો લ્હાવો લેવા ધારાસભ્ય મહેશ કસવાલા અને માનવ મંદિરના સંત ભક્તિ બાપુ આવ્યા હતા. તેઓએ પણ ઇંગોરીયા ફટાકડા ફોડ્યા અને ઇંગોરીયાની મજા માણી હતી. આ ઈંગોરીયા યુદ્ધ સાવરકુંડલાની ઓળખ બની રહ્યું છે. કોઈપણ પ્રકારના જ્ઞાતિ-જાતિવાદ વિના હળી મળીને હિન્દુ મુસ્લિમ લોકો ઈંગોરીયા યુદ્ધ રમી રહ્યા હોવાનું ધારાસભ્ય કસવાલાએ જણાવ્યું હતું.