- કોરોનાકાળમાં કેરીનું ઉત્પાદન ઘટ્યું
- વાતાવરણનો પલટો અને કોરોનાનો બેવડો માર
- 50 ટકાથી વધુ નુકસાનની ભીતિ
વલસાડ: જિલ્લો હાફૂસ અને કેસર કેરી માટે જાણીતો જિલ્લો છે. કેરીની સિઝનમાં એકલા વલસાડ જિલ્લામાં જ કેસર કેરીનું એક લાખ ટન તો હાફૂસ કેરીનું 28 હજાર ટન જેટલું અંદાજીત ઉત્પાદન થાય છે. વલસાડ જિલ્લો રાજાપુરી, લંગડો, પાયરી જેવી કેરીના ઉત્પાદન માટે પણ જાણીતો હોય કેરીની સિઝનમાં કુલ 36 હજાર હેકટરમાં અંદાજીત અઢી લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે. ગયા વર્ષે લોકડાઉનના કારણે કેરી ઉત્પાદન કરતા ખેડૂતોને ખોટ ગઈ હતી. તો આ વખતે માવઠાએ 50 ટકાથી વધુ નુકસાન પહોંચાડ્યું છે.
ખેડૂતોની સારા પાકની આશા પર પાણી ફરી વળ્યું
વલસાડ જિલ્લામાં કેરીનું ઉત્પાદન લેતા ઉમરગામ તાલુકાના કનાડુ ગામના ખેડૂત તરુણ દીક્ષિતે આ અંગે વસવસો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2020માં નવેમ્બર-ડિસેમ્બરમાં વરસાદી માવઠાને કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 60 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ખેડૂતોને એટલું નુકસાન જવાનું છે. માવઠાને કારણે આંબા પર જે મોર બેસવો જોઈએ તે બેસ્યો નથી. પીલવણી લાગી જવાથી ખેડૂતોની સારા પાકની આશા પર પાણી ફરી વળ્યું છે.
આ પણ વાંચો: કમોસમી વરસાદથી ભુજમાં કેરીના પાકને નુક્સાન
ઝાડ પર ફળ બગડી રહ્યા છે
માવઠા ઉપરાંત વધારે પડતા તડકા અને ઝાકળના કારણે પાક માંડ 25 ટકા જેટલો ઉતરશે. ઝાડ પર ફળ છે પણ તે બગડી રહ્યા છે. હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં પલટો આવતા કરા અને માવઠું થયું છે. જો આવો જ પલટો વલસાડ જિલ્લામાં થશે તો ખેડૂતોને મોટું નુકસાન જશે. હાલ બધો આધાર કુદરત પર છે.
ગયા વર્ષે કોરોનાનો માર હતો
ગયા વર્ષે કોરોના મહામારીના લોકડાઉનને કારણે કેરી બેડવા વાળા મજુરો મળ્યા નહોતા. કેરીને વેચવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નહોતી. આ વખતે મજૂરોને પહેલેથી જ કામ પર રાખી લીધા છે પરંતુ જોઈએ તેવું ઉત્પાદન નથી.
આ પણ વાંચો: કેસર બનશે કડવી, કેરીના મોરમાં નુકસાન જતાં આ વર્ષે ભાવ આસમાને પહોંચવાની શક્યતા
સરકારે પલ્પ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઈએ
બીજું કેરીનો પાક જલ્દી બગડી જતો હોય છે. તેને અન્ય ફળોની જેમ કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાતી નથી. સરકારે એ માટે પલ્પ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઈએ. પલ્પ પ્રોડકશનની વ્યવસ્થા ઉભી થાય તો તે ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
સરકાર અન્ય પાકની જેમ કેરીના નુકસાનની સહાય આપે
દર વર્ષે મોટી સંખ્યામાં કેરીના ખરીદદાર વેપારીઓ વલસાડ જિલ્લામાં ધામાં નાખે છે. આ વર્ષે પણ ખેડૂતો પાસેથી સીધો પાક લેવા આવા દલાલોએ ખેડૂતોના સંપર્ક શરૂ કર્યા છે. સારા ઉત્પાદન દરમિયાન રોજની અંદાજીત 10થી 15 હજાર ટન કેરી વેચાતી હોય છે. આ વર્ષે ઉત્પાદન ખૂબ ઓછું છે. અન્ય પાકની કુદરતી નુક્સાનીમાં સરકાર રાહત પેકેજ આપતી સહાય આપે છે. કેરીમાં એવી કોઈ સહાય મળતી નથી. સરકાર કેરીના પાકમાં પણ તે સહાય આપે તે જરૂરી છે. અત્યાર સુધીમાં આવી સહાય માત્ર એક વખત મળી છે. જ્યારે ખેડૂતોને 2 હેક્ટર પૂરતી સહાય મળી હતી. જેમાં હેક્ટર દીઠ 36,000 રૂપિયાની સહાય ચૂકવેલી જેનાથી ક્યાંય વધારે ખર્ચ તો કેરીના પાક માટે દવા છંટકાવમાં વપરાય જાય છે.
36 હજાર હેક્ટરમાં અંદાજીત અઢી લાખ ટન કેરીનું ઉત્પાદન
એક તરફ કોરોના કહેર છે તો બીજી તરફ વલસાડ જિલ્લામાં સતત બીજા વર્ષે પણ કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતો માટે નુક્સાનીનું વર્ષ છે. વલસાડ જિલ્લો હાફૂસ અને કેસર કેરી માટે જાણીતો જિલ્લો છે. કેરીની સિઝનમાં એકલા વલસાડ જિલ્લામાં જ કેસર કેરીનું એક લાખ ટન, તો, હાફૂસ કરીનું 28 હજાર ટન જેટલું અંદાજીત ઉત્પાદન થાય છે. વલસાડ જિલ્લો રાજાપુરી, લંગડો, પાયરી જેવી કેરીના ઉત્પાદન માટે પણ જાણીતો હોય કેરીની સિઝનમાં કુલ 36 હજાર હેક્ટરમાં અંદાજીત અઢી લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે.