- કવિતા પટેલે અપક્ષ પેનલ રચી ચૂંટણીમાં ઝંપલાવ્યું
- 3 રાષ્ટ્રિય પક્ષો વચ્ચે અપક્ષ પેનલ ચૂંટણીના મેદાનમાં
- પક્ષના ઉમેદવારો પાયાના કાર્યકરોની અવગણના કરતા હોવાના આક્ષેપ
વલસાડઃ જિલ્લાના ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડમાંથી વોર્ડ નંબર 4 સૌથી વધુ મતદારો ધરાવતો વોર્ડ છે તો, આ વોર્ડમાં સૌથી વધુ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આ વોર્ડમાં ભાજપની મહિલા મોરચાના પ્રમુખ કવિતા પટેલે અપક્ષ પેનલ રચી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેની સાથે ETV BHARATએ ચૂંટણી મેદાનમાં ઉતરવા સંદર્ભે ખાસ વાતચીત કરી હતી. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, તે શિક્ષિત છે એટલે આ વખતની ચૂંટણીમાં અને તેની પહેલાની 3 ચૂંટણીમાં નગર સેવક તરીકે ટિકિટ માંગતા આવ્યાં છે. પરંતુ પક્ષે તેમની સતત અવગણના કરી છે. તેમની ઈચ્છા ઉમરગામ નગરપાલિકામાં જીત મેળવી મતદારોની સેવા કરવાની છે.
મતદારોની અપીલથી અપક્ષ ઉમેદવારી નોંધાવીઃ કવિતા પટેલ
કવિતા પટેલે જણાવ્યું કે, છેલ્લી 4 ટર્મથી પોતાના વિસ્તારના કામો થતા નથી. ભાજપના ઉમેદવારો જીત મેળવ્યા બાદ તેમની રજુઆત મુજબ ગટરના, રસ્તાના કામો કરતા નથી. 20 વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર હોય લોકોની માગને ધ્યાને લેવી તેની ફરજ છે. જ્યારે લોકોના કામો કરવા ટિકિટની માંગણી કરી તો તે પણ પક્ષે સ્વીકારીની નહિ એટલે આખરે અપક્ષ પેનલ રચી ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યા છે. જેમાં મતદારોનો સંપૂર્ણ ટેકો છે. મતદારોની અપીલને કારણે જ આ ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યા છે.
મતદારોમાં શિક્ષિત ઉમેદવારોની માગ
કવિતા પટેલની પેનલને મતદારોનો પણ સંપૂર્ણ ટેકો હોવાનું મતદારોએ જણાવ્યું હતું. મતદારોનું કહેવું છે કે, તેમની માગ શિક્ષિત ઉમેદવારોની છે, જે પ્રજાના કામ કરે તેવા ઉમેદવારની ઈચ્છા સેવે છે. અત્યાર સુધીમાં ગત ટર્મના ઉમેદવારોએ કોઈ વિકાસના કામો કર્યા નથી. એટલે આ વખતે કવિતા પટેલને અપક્ષ પેનલ રચી ચૂંટણી લડવા અપીલ કરી હતી.
ચૂંટાયેલા ઉમેદવારો પ્રજાના કામ કરતા નથી
મતદારોનું કહેવું છે કે વોર્ડ નંબર 4માં જે ઉમેદવારો આવ્યાં તે માત્ર ચૂંટણી જીતવા પૂરતા જ ઉત્સુક હતા તે બાદ પ્રજાના કામો કરવામાં ક્યારેય ઉત્સાહ દેખાડ્યો નથી. પ્રજાની વચ્ચે આવીને ક્યારેય ઉભા રહ્યા નથી. ઉલટાનું મુંબઈથી પારકા માણસોને બોલાવી દખલગીરી કરાવે છે. જે મતદારોને પસંદ નથી એટલે આ વખતે કવિતા પટેલને સપોર્ટ કરવાના વચન સાથે ચૂંટણી મેદાનમાં અપક્ષ તરીકે ઉતાર્યા છે.
પક્ષે અન્યાય કર્યો એટલે અપક્ષમાંથી દાવેદારી નોંધાવીઃ કવિતા પટેલ
ઉલ્લેખનીય છે કે, કવિતા પટેલે અપક્ષ ઉમેદવારો નોંધાવતા પક્ષે 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જે અંગે કવિતાએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પહેલા પક્ષે ક્યારેય કોઈને સસ્પેન્ડ નથી કર્યા પણ તેમને સસ્પેન્ડ કર્યા છે. તેમણે કોઈ ખોટું કામ નથી કર્યું. પક્ષે અન્યાય કર્યો એટલે અપક્ષ ઉભા રહ્યા છે. વોર્ડ નંબર 4માં ભાજપ, કોંગ્રેસ અને BSP જેવી રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ મતદારો પોતાની સાથે છે.અને ચોક્કસ વિજેતા બનાવશે.