વલસાડ: જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં વસવાટ કરતાં શ્રમિક વર્ગના લોકો જેઓ રોજીરોટી લડવા માટે મોટાભાગે વલસાડ અને વાપી જીઆઇડીસી વિસ્તારમાં દરરોજ આવાગમન કરતા હોય છે. સાંજના છેડે તેઓ મજૂરી કર્યા બાદ માંડ 600થી 700 રૂપિયા મેળવી ઘરે પરત ફરતા હોય છે.
કોરોના વાઈરસની મહામારીને કારણે કરવામાં આવેલા લોકડાઉનની સ્થિતિમાં તેઓની આ રોજી છીનવાઈ ગઈ છે. જેના કારણે હવે આ રોજમદાર અને શ્રમિક વર્ગના લોકોને પરિસ્થિતિ દયનીય બની છે. ત્યારે આવા લોકોને મદદરૂપ થવા માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી છે. જેમાં કપરાડા તાલુકા વહીવટી તંત્રના સહયોગથી હિન્દુસ્તાન યુનિલીવર અને બાયફ જેવી સંસ્થાઓ દ્વારા 350 જેટલી રાશન કીટ બનાવી કપરાડા તાલુકાના 15 અંતરિયાળ ગામોમાં તેનું વિતરણ પ્રાંત અધિકારી તેજસભાઈ તેમજ મામલતદાર કલ્પેશભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
કપરાડા તાલુકાના હુડા, બારપૂડા, કપરાડા, મોટાપોઢા, ઓઝર, ફળી, દિક્ષલ, વારોલી તલાટ, કરાયા, ચિભડ કચ્છ, કરજૂન, વાલવેરી, વડસેત, સહુડા, લીખવડ, સરવરટાટી, નિલોસી વગેરે ગામોમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બાયફ ડેવલોપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કપરાડા જેવા વિસ્તારમાં 5000 જેટલી રાશન કીટ વિતરણ કરવા માટેનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ અંતર્ગત જરૂરિયાતમંદ ગામોમાં તાલુકા વહીવટી તંત્ર દ્વારા રાસન કીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.