- 5 ડિસેમ્બર 1982ના રોજ શરુ થઇ હતી આ લાઇબ્રેરી
- કોવિડ 19ને લઈ વિશેષ વ્યવસ્થા
વલસાડ: ધરમપુરમાં મામલતદાર કચેરીમાં ત્રીજા માળે આવેલી સરકારી લાઇબ્રેરી વિદ્યાર્થીઓ તેમજ અન્ય વાચકો માટે ખૂબ જ ઉપયોગી છે. આ લાઇબ્રેરીમાં 19000 જેટલા પુસ્તકો ઉપરાંત કોરોનાને લઇને પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજવી સમયના ધરમપુર શહેરની પ્રજા વાંચનપ્રિય છે. અહીં આવતા લોકો માટે આ લાઇબ્રેરીમાં ક્યારેય વાંચનસામગ્રી ખૂટતી નથી. ધરમપુરમાં બે લાયબ્રેરી આવેલી છે જેમાંની એક નગરપાલિકા હસ્તકની લાઇબ્રેરી છે તો બીજી મામલતદાર કચેરીમાં ત્રીજા માળે શરૂ થયેલી સરકારી લાઇબ્રેરી છે. જે હજુ પણ કાર્યરત છે.
19000 પુસ્તકો ધરાવે છે લાઈબ્રેરી.
ધરમપુર ખાતે આવેલી સરકારી લાઇબ્રેરીમાં અંદાજિત 19000 જેટલા પુસ્તકો આવેલા છે, ઉપરાંત આ પુસ્તકોમાં વિવિધ ભાષાઓના પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષાના 11700 પુસ્તકો, હિન્દી ભાષાના 1400 પુસ્તકો, અંગ્રેજી ભાષાના 2100 પુસ્તકો અને અન્ય ભાષાઓમાં 3100 પુસ્તકો ઉપલબ્ધ છે જે તમામ વિદ્યાર્થીઓ, યુવાનો મહિલાઓ, બાળકો માટે ઉપયોગી છે. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઇને લઈને લાઇબ્રેરીમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી આવનારા લોકોને કોઇ અગવડ ન પડે. આવનાર તમામ લોકોને સેનિટાઈઝર, માસ્ક તેમજ સોશીયલ ડિસ્ટન્સ સાથે લાઇબ્રેરીમાં બેસાડવામાં આવે છે.
ધરમપુરમાં રોજિંદા આવનાર અનેક વાચકો પૈકી1800 થી વધુ સભ્ય પદ ધરાવે છે
સરકારી લાઇબ્રેરીમાં દરરોજ વાંચન કરવા માટે આવનાર અને લાઇબ્રેરીમાં સભ્યપદ ધરાવનાર 1800થી વધુ લોકો છે. અહીંની સભ્યપદની ફી માત્ર પચાસ રૂપિયા છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે અહીં જરૂરી વાંચન પુસ્તકો ઉપલબ્ધ હોવાથી વિદ્યાર્થીઓને અહીં પોતાને જરૂરિયાત મુજબની વાંચન અને મટીરીયલ્સ ઉપલબ્ધ હોય છે જેના કારણે આ લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડી રહી છે.