વલસાડઃ 170 કિલોમીટરની ઝડપે વલસાડના દરિયા કિનારે આગળ વધી રહેલું નિસર્ગ વાવાઝોડું કાંઠા વિસ્તારના ગામોમાં અસર કરે એવી સંભાવનાઓ છે. તો સાથે સાથે વલસાડ શહેરમાં પણ તેની પૂરેપૂરી અસર થવાની શક્યતા હોવાથી વલસાડ નગરપાલિકા પણ સક્રિય છે. આજે એટલે કે મંગળવારે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં મૂકવામાં આવેલા મોટા બેનરો પાલિકા દ્વારા ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
વલસાડ શહેરની અંદર મૂકવામાં આવેલા અનેક નાના-મોટા સાઇન બોર્ડ અને બેનરો પાલિકાના કર્મચારીઓ દ્વારા ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે. પાલિકાનું માનવું છે કે જો વાવાઝોડું ત્રાટકે તો આવા સમયમાં મુકવામાં આવેલા આ મોટા સાઈન બોર્ડ નીચે ધરાશાયી થાય અને જેને પગલે મોટું નુકસાન થઈ શકે છે. તેથી તકેદારીના ભાગરૂપે વલસાડ શહેરમાં મૂકવામાં આવેલા મોટા સાઇન બોર્ડ ઉતારવાની કામગીરી કરવામાં આવી છે.
આ અંગે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, શહેરમાં કોઇ ઘટના ન બને અને કોઈ વધુ નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે આ તમામ સાઈન બોર્ડ વલસાડ શહેરમાંથી નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.