- દૈનિક 37 ટન થી વધુ ઓક્સિજનની જરૂરિયાત
- 3 પ્લાન્ટમાંથી ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે
- આગામી દિવસોમાં વધુ જરૂરિયાત ઉભી થઇ શકે છે
વલસાડઃ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં હાલ દૈનિક 37 ટનથી વધુ ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ છે. ઝઘડિયા, સરીગામ અને દમણમાંથી આ જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે છે. જે હાલની જરૂરિયાત માટે પૂરતો છે. પરંતુ જો કોરોના વધુ ફેલાશે તો ઓક્સિજનની તંગી સર્જાશે, જેને લઈને વહીવટીતંત્ર દ્વિધામાં મુકાયું છે.
આ પણ વાંચોઃ નવસારીની ઓક્સિજનની સમસ્યા થઈ હળવી, જિલ્લાને બે દિવસથી મળી રહ્યો છે પૂરતો ઓક્સિજન
વલસાડ જિલ્લામાં જ દરરોજના 21 ટનથી વધુ મેડિકલ ઓક્સિજનની માગ છે
વલસાડ જિલ્લાની સિવિલ કોવિડ હોસ્પિટલમાં દૈનિક 13 ટન ઓક્સિજનની જરૂરિયાત છે. જે ઇનોક્સ કંપની દ્વારા પૂરો પાડવામાં આવે છે. ઉપરાંત જિલ્લાના અન્ય કોવિડ સેન્ટરો માટે 8 ટનથી વધુ ઓક્સિજન જોઈએ છે. એ રીતે એકલા વલસાડ જિલ્લામાં જ દરરોજના 21 ટનથી વધુ મેડિકલ ઓક્સિજનની માગ છે. આ અંગે વાપીના મિતેષ દેસાઈએ વિગતો આપી હતી કે, હાલની જરૂરિયાત મુજબ ઓક્સિજન પૂરતા પ્રમાણ મળી રહ્યો છે. જે માટે વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ અને સ્થાનિક ધારાસભ્યોની સૂઝબૂજથી આ આયોજન કરવામાં આવ્યું છે.
સરીગામ, દમણ, ઝઘડિયાથી ઓક્સિજન મેળવવામાં આવે છે
વલસાડ જિલ્લા ઉપરાંત પાડોશી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ઓક્સિજન સપ્લાયમાં કોઈ ઘટ નથી. વલસાડ જિલ્લા સહિત દાદરા નગર હવેલી અને દમણમાં દૈનિક 37 ટન આસપાસ મેડિકલ ઓક્સિજન અલગ-અલગ 3 પ્લાન્ટમાંથી પૂરો પાડવામાં આવે છે. જેમાં ઝઘડિયા, સરીગામ અને દમણના પ્લાન્ટમાંથી આ જથ્થો જે તે કોવિડ સેન્ટરમાં આપવામાં આવે છે.
સરકારી હોસ્પિટલમાં રોજના 13 ટન ઓક્સિજનની જરૂર
આગામી દિવસોમાં વધુ 12 ટન માટેનું આયોજન છે. હાલમાં વલસાડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં 13 ટન, દાદરા નગર હવેલીની કોટેજ હોસ્પિટલમાં 13 ટન, દમણની મરવડ ખાતે આવેલી સરકારી હોસ્પિટલ, વાપીની ઍલ.જી.હરિયા હોસ્પિટલ, રોફેલ કોલેજનું આઈસોલેશન સેન્ટર, રેમ્બો હોસ્પિટલ, 21st સેન્ચુરી હોસ્પિટલ, બલીઠાની વાઈબ્રન્ટ, ચણોદની ESIC હોસ્પિટલ, ધરમપુરનાં CHC, વલસાડની કસ્તુરબા હોસ્પિટલ, વલસાડ નગર પાલિકાના સિવિલ સેન્ટરમાં એક-એક ટન ઓક્સિજનનો સપ્લાય રોજેરોજ આપવામાં આવે છે.
સરકારે ઓક્સિજન પ્લાન્ટ કબજે લીધા
વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ઓક્સિજન સપ્લાય અવિરત રહે તે માટેના આયોજન હેઠળ ત્રણ કંપનીના પ્લાન્ટનો કબ્જો સરકારી વહીવટી તંત્રએ લઈ લીધો છે. દરેક પ્લાન્ટ પર 5 જેટલા સરકારી કર્મચારીઓને જવાબદારી સોંપાય છે. જેમાં એક નાયબ મામલતદાર, એક ચીફ ઓફિસર લેવલના અધિકારી, એક તલાટી અને બે પોલીસકર્મીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ ડીસામાં ઓક્સિજનની અછતને નિવારવા માટે યુવાનની અનોખી સેવા
કોવિડ કેસને લઈ સુચારુ આયોજન જરૂરી
ઉલ્લેખનીય છે કે, વલસાડ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરીગામના ઓક્સિજન પ્લાન્ટમાંથી દૈનિક 500 સિલિન્ડર અને દમણમાંથી દૈનિક 300 સિલિન્ડર ઓક્સિજન મેળવવામાં આવે છે. એક સિલિન્ડરમાં 47 લીટર ઓક્સિજન હોય છે. જે જોતા રોજના 37,600 લીટર ઓક્સિજનની જરૂરિયાત હાલના સંજોગોમાં આ ગણતરીના કોવિડ સેન્ટરોમાં જ વપરાય રહ્યો છે. જો કોરોના કેસમાં વધારો થયો તો વધુ માગને પહોંચી વળવા સરકારે સુચારુ આયોજન કરવું મુશ્કેલ બનશે.