વલસાડ: અરબી સમુદ્રમાં સક્રિય થયેલું વાવાઝોડું હિકાને કારણે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે બે દિવસથી અનેક વિસ્તારમાં વરસાદી માહોલ બની રહ્યો છે. વલસાડ નજીકમાં આવેલા અતુલ પારેનરા વિસ્તારમાં 20 મિનિટ સુધી વરસાદ વરસતા રોડની આસપાસના ખાડાઓ પાણીથી ભરાઈ ગયા હતા. વરસાદ પડતાં આંબાવાડી ધરાવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
હાલ આંબાવાડી ધરાવતા મોટા ભાગના ખેડૂતોની સ્થિતિ એવી છે કે, તેઓ કેરીનો પાક ઉતારી બજાર સુધી લઈ જવાની તજવીજમાં હોય અને એવા જ સમયમાં જો વરસાદ આવી જાય તો ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.
નોંધનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી તા. 3 થી 4 જૂનના રોજ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી વિસ્તારને અસર કરશે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક તરફ કોરોના કહેર યથાવત્ છે, ત્યારે બીજી તરફ ચક્રવાતને લઈને મોટી આફત સામે આવી રહી છે.