- વલસાડમાં દિવાળીના તહેવારને લઈ લોકો ખરીદી કરવા ઉમટ્યા
- મહિલાઓએ કોડિયા સહિતની ખરીદી કરી
- લોકો સ્વદેશી ફટાકડાની ખરીદી કરતા જોવા મળ્યા
વલસાડઃ શહેરમાં દિવાળીની ખરીદી માટે શુક્રવારે ધનતેરસના દિવસે સવારથી જ દુકાનોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં વાહનચાલકોની ભારે ભીડ જામી હતી. બીજી તરફ મુખ્ય બજાર રોડ ઉપર આવેલી અનેક દુકાનોમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.
રૂપિયા 50થી 300 સુધીના દીવાઓ માર્કેટમાં જોવા મળ્યા
દિવાળી નિમિત્તે મહિલાઓએ માટીના બનાવેલા કોડિયાની ખરીદી કરી હતી. આ વખતે હાથથી બનાવેલા કોડિયા કરતા તૈયાર બીબામાં બનેલા અવનવી ડિઝાઇનના કોડિયાની ખરીદી કરવાનું મહિલાઓએ પસંદ કર્યું હતું. વિવિધ ડિઝાઇનો અને આકર્ષક રંગોથી સજેલા કોડિયાઓ આ વખતે બજારમાં જોવા મળ્યા છે અને તેની ખરીદી કરવાનો ક્રેઝ અનેક મહિલાઓમાં જોવા મળ્યો છે. રૂપિયા 50થી 300 સુધીના રંગબેરંગી દીવાઓ માર્કેટમાં જોવા મળી રહ્યા છે.
દિવાળીમાં વિવિધ રંગોળી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર
મહત્વનું છે કે, રાજા રામે જ્યારે રાવણનો વધ કર્યો અને તે બાદ તેઓ દિવાળીના દિવસે અયોધ્યામાં પરત ફર્યા હતા, જેથી દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. લોકો ધરોમાં દીવા પ્રગટાવી દિવાળીની ઉજવણી કરે છે. તો સાથે સાથે આ ઉજવણીના ભાગરૂપે દરેક ઘરના આંગણામાં રંગોળી પણ બનાવવામાં આવે છે. આ રંગોની ખરીદી માટે શુક્રવારે વલસાડમાં મહિલાઓ સવારથી જ ખરીદી કરતી જોવા મળી હતી. દિવાળીના તહેવાર સમયે દરેક ઘરના આંગણે વિવિધ રંગો દ્વારા બનાવવામાં આવેલી રંગોળી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે અને આવા રંગો દ્વારા પોતાની પ્રતિભા બહાર લાવવાનો પણ મહિલાઓ પ્રયાસ કરતી હોય છે.
પ્લાસ્ટિકના તૈયાર બીબાની માગ વધી
દર વખતે રંગોળી બનાવવા માટે મહિલાઓ પોતાના હાથનો ઉપયોગ કરતી હોય છે, પરંતુ આ વખતે કેટલીક એવી સાધનસામગ્રી આવી છે કે, જેનાથી કારોટી પ્લાસ્ટિકના બીબામાં ભરીને તેના દ્વારા રંગોળી બનાવી શકાય તો કેટલાક તૈયાર પ્લાસ્ટિકના બીબા ઓ પણ વેચાણ અર્થે આવ્યા છે કે જેમાં કરોટી નાખી તેમાં રંગો ભરવાથી રંગોળીઓ તૈયાર થઈ જાય છે. કેટલીક મહિલાઓ આવા બીબાની ખરીદી કરતા પણ જોવા મળી હતી.
ચાઈનીઝ ફટાકડા વલસાડમાં ક્યાંય જોવા ન મળ્યા
દિવાળીના તહેવાર નિમિત્તે જ્યાં ચાઈનીઝ ફટાકડા ઉપર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો છે, ત્યારે વલસાડમાં પણ ખુદ વેપારીઓ દ્વારા જ ચાઈનીઝ ફટાકડાઓ વેચાણ અર્થે લાવવામાં આવ્યા નથી અને માર્કેટમાં ચાઇનઝ ફટાકડા ન વેચી વેપારીઓ પણ ભારતને આત્મનિર્ભર બનાવવા તરફની મુહિમમાં યોગદાન આપી રહ્યા છે. આમ વેપારીઓ ખુદ ચાઈનીઝ ફટાકડા લેતા જ નથી એટલે ખરીદી કરનાર પણ ચાઈનીઝ બનાવટથી દુર રહે છે.