વાપી નજીક પારડી તાલુકાના પાટી ગામે પ્રદીપ પટેલ નામના જાગૃત નાગરિકે ગામમાં થયેલા મનરેગા હેઠળના વિવિધ સરકારી કામો અને અન્ય કામોની માહિતી માંગી હતી. જાગૃત નાગરિકે માંગેલી માહિતમાં ગામમાં બનેલા ઉકરડા, શૌચાલય, સામાજિક વનીકરણ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખોનો ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો છે.
પ્રદીપે માંગેલી માહિતી મુજબ ગામમાં સરકારી નિયમ મુજબ જે ઉકરડા બનાવવામાં આવ્યા છે. તેમાં એક જ લાભાર્થીના નામે 2-2 ઉકરડા બોલે છે. તેમજ 30 ઉકરડા સામે માત્ર 15 ઉકરડા બનાવી બાકીના પૈસા ચાંઉ કરાયા છે. આંબા કલમના વિતરણમાં લાભાર્થી દીઠ 50 રોપાને બદલે 5 કે 10 જ રોપા આપી લાખોનું બિલ બનાવ્યું છે. સામાજિક વનીકરણ મુજબ 30×30 ના ખાડા ખોદી ઝાડ રોપવાના હતાં તેમાં મોટાભાગના ઝાડ રોપાયા નથી. ગામમાં પાણીની ટાંકી બનાવી તેના મીટર ચોરાઈ ગયા છે. સ્ટ્રીટ લાઈટની બેટરીઓ ચોરાઈ ગઈ છે.
પાટી ગામ સ્મિતાબેન જીતુભાઇ પટેલ નામના મહિલા સરપંચ હસ્તકનું ગામ છે. તેમ છતાં જેમ અન્ય ગામોમાં બને છે. તેમ અહીં પણ પંચાયતનો કારભાર મહિલા સરપંચના પતિદેવ જીતુભાઇ જ સંભાળે છે. જેના અંગે માહિતી માંગનાર પ્રદીપ પટેલે આક્ષેપો કર્યા હતાં કે, તેમના નામે મોટર ચોરી, બાઇકચોરી, શાળાના કમ્પ્યુટર ચોરીના ગુના નોંધાયેલા છે. ગામના દરેક કામમાં તેમણે જ સરકારી અધિકારીઓ સાથે મિલીભગત રચી આ લાખોનો ભ્રષ્ટાચાર કર્યો છે. એટલે અરજદારને સતત ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.
સમગ્ર મામલે ગામના સરપંચના પતિનો સંપર્ક કરવાની કોશિશ કરતા તેમણે આ મામલે કંઈપણ કહેવા કે મળવાથી ઇન્કાર કરી દીધો હતો. જ્યારે પારડી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સી. વી. લટાએ આ ભ્રષ્ટાચારને પુષ્ટિ આપતા જણાવ્યું હતું કે, આ અંગે તેમને પણ મૌખિક ફરિયાદો મળી છે. જે સરકારી યોજનાઓના કામોમાં ગેરરીતિ થઈ હોવાની છે. આગામી દિવસોમાં આ અંગે તપાસ કરી જે તે કસૂરવાર સામે કાયદાકીય અને ખાતાકીય તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પાટી ગામમાં જાગૃત નાગરિકે મનરેગા હેઠળ થયેલા કામોમાં જોબકાર્ડ, સામાજિક વનીકરણનું એસ્ટીમેટ, દહાડિયા પત્રક, રસ્તાના કામો, ગટરના કામો, આવાસ યોજના, ઉકરડા સહિતના કામોની માહિતી માંગી હતી. જેમાં તમામ કામોમાં માત્ર ભ્રષ્ટાચાર જ આચરાયો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે માત્ર 2000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં જ જો લાખોનો ભ્રષ્ટાચાર આચરાયો હોય તો ગુજરાતના 18 હજાર ગામડાઓમાં કેવો ભ્રષ્ટાચાર આચરાતો હશે? આ અંગે સરકાર તટસ્થ તપાસ કરે તો અનેક ગામના સરપંચો, તલાટીઓ અને સરકારી બાબુઓએ આચરેલી કરોડોની પોલ ખુલી પડશે તેવી માંગ ગામના લોકોમાં ઉઠી છે.