વલસાડ: ઘરના મોભી એટલે પિતા અને પિતાનું અકાળે અવસાન થાય તો સમગ્ર ઘરનો જેના ઉપર આધાર હોય એ આધાર જ ડગી જતો હોય છે. છેલ્લા 6 વર્ષથી કપરાડાના આરોગ્ય સંજીવની વાનમાં લેબ ટેક્નિશિયન તરીકે સેવા આવતા યુવકે પિતાના અવસાન બાદ ત્રીજા જ દિવસે ફરજ ઉપર હજાર થઈને પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાના દર્શન કરાવ્યા છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આરોગ્ય સંજીવની મોબાઈલ વાન ઉપર લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા મિતેષ મગનભાઈ રોહિત, જે બાબરખડક ગામના રહેવાસી છે. છેલ્લા 6 વર્ષથી સેવા બજાવે છે. તેમના પિતાનું ગત તરીખ 16-4-2020ના રોજ અવસાન થતાં તેમના ઘરનો આધાર છીનવાઈ ગયો હતો. ઘરમાં એમના પિતા જ એક આર્થિકોપાર્જન કરનાર મોભી હતા. તેમના પિતાના અવસાન બાદ લોકડાઉન શરૂ થઈ જતા મિતેષભાઈએ પિતાના અવસાનના ત્રીજા જ દિવસે ફરજને પ્રાથમિકતા આપી હાજર થઈ ગયા હતા. એમનું કહેવું હતું કે, મારા પિતા તો ઈશ્વરને શરણ થયા પણ અન્ય કોઈના પિતા કોરોનાને કારણે ઈશ્વર શરણ ન થવા જોઈએ. આમ દેશ સેવા અને લોકસેવા માટે તે પિતાના અવસાનના ત્રીજા જ દિવસે પોતાની ડ્યૂટી ઉપર હાજર થઈ ગયા હતા.
નોંધનીય છે કે, હાલ મિતેષભાઈના ઘરે એક ભાઈ, એક બહેન, માતા અને ફોઈ, કાકા છે. પણ ઘરનો આધાર સમગ્ર મિતેષભાઈને માથે હોય તેઓ સેવાકીય કામગીરી ખૂબ નિષ્ઠા પૂર્વક બજાવી રહ્યા છે. ત્યારે ખરેખર આવા કોરોના વોરિયર્સને કારણે જ આપણા ગુજરાતની અસ્મિતા ટકાવી રાખવામાં મદદ મળે છે. આવા કોરોના વોરિયર્સને દિલથી સલામ.