વલસાડઃ જિલ્લામાં દિલ્હી નિઝામુદ્દીનથી પરત થયેલા 37 લોકો પૈકી 10ને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. 15 જેટલા લોકો રાજ્ય બહાર છે તેમની પણ જે-તે રાજ્યને માહિતી અપાઈ છે. જ્યારે 12 લોકો મિસિંગ હોવાથી તમામના રહેઠાણની પોલીસની મદદ વડે શોધખોળ જારી કરી તેઓને કોરેન્ટાઈન કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાની માહિતી વલસાડ જિલ્લા કલેક્ટરે આપી છે.
દિલ્હી ખાતે નિઝામુદ્દીન મરકજમાં ગયેલા વલસાડ જિલ્લાના લોકો અંગે વલસાડ જિલ્લા કલેક્ટર સી. આર ખરસાણે માહિતી આપતા જણાવ્યું કે, વલસાડ જિલ્લામાંથી કુલ 37 જેટલા લોકો ગયા હોવાની યાદી મળી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોને શોધી કાઢી હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે 15 લોકો લોકડાઉનને પગલે રાજ્યની બહાર જ છે એમને પણ જે -તે રાજ્યના પોલીસ વિભાગને માહિતી આપી ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.
આ ઉપરાંત મિસિંગ 12 લોકોને વલસાડ જિલ્લા પોલીસ અને અન્ય વિભાગની મદદ મેળવી તેમના રહેઠાણ અંગે ની શોધખોળ કરવામાં આવી રહી છે. એ 12 લોકોને શોધી એમને પણ તાત્કાલિક ધોરણે હોમ કોરેન્ટાઈન કરવા આવશે.
નોંધનીય છે કે,કોરોના જેવા લોકડાઉનની સ્થિતિ અને 144ની કલમ હોવા છતાં મોટી સંખ્યામાં દિલ્હી ખાતે નિઝામુદ્દીન ખાતે લોકો ભેગા થયા હતા. એમાં વલસાડ જિલ્લાના પણ 39 લોકો હોવાની હકીકત બહાર આવતા હાલ પોલીસ અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.