વલસાડ: મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ધરમપુર દ્વારા મહાત્મા ગાંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે નિમિત્તે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીજીના મૂલ્યો સમાજમાં રહેલા તમામ લોકો જાણી શકે અને એ આદર્શોને પોતાના જીવનમાં ઉતારી શકે તે માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે પૈકી ધરમપુર નજીક આવેલા આવધા ગામેથી 45 કિલોમીટરની ત્રણ દિવસીય ગાંધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 30 સપ્ટેમ્બરે વહેલી સવારે આઠ કલાકે આ પદયાત્રાનો પ્રારંભ ધરમપુરના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
વિલ્સન હિલ ખાતે આ યાત્રામાં જોડાયેલા તમામ લોકોએ સાફ સફાઈ અભિયાનનું પણ આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકો પોતાના હાથમાં સાવરણી જેવા સાધનો લઈને વિલ્સન હિલની સાફ સફાઈ કરતા નજરે પડ્યા હતા. મહત્વનું છે કે, મહાત્મા ગાંધીને સ્વચ્છતા ખૂબ જ પ્રિય હતી. તેઓ પોતે પણ માર્ગમાંથી પસાર થતાં જો ક્યાંક ગંદકી દેખાય તો સ્વયં જ સાફ સફાઈ કરવા જોડાઈ જતા હતા. આ ઉપરાંત આ પદયાત્રા દરમિયાન માર્ગમાંથી આવતા જતા વાહન ચાલકોને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, આ ગાંધી પદયાત્રા ત્રણ દિવસ બાદ ખોબા આશ્રમે પહોંચશે. જે દરમિયાન વિવિધ સ્થળોએ ગાંધી વિચારધારા અને આદર્શો તેમજ મુલ્યોને લોકો ઓળખી શકે તે માટે ગાંધી સંગોષ્ઠિનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેથી આ યાત્રામાં જોડાયેલા લોકો ગાંધીજી વિશેના પોતાના વિચારો રજૂ કરી શકે. આ સાથે સાથે ધરમપુરના વાચન પ્રિય જનતા ગાંધીજી વિશેની તમામ જાણકારી મળી શકે તે માટે ગાંધી લાઇબ્રેરીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.