- ગામમાં લોકડાઉનના જાહેરનામા અંગે સ્પષ્ટતા
- જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પષ્ટતા કરાઈ
- સરપંચને પોતાની સ્પષ્ટતા કરવાની ફરજ પડી
ઉમરગામ : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા, સંજાણ સહિતના ગામોમાં કોરોનાના કેસ વધતા ગામોના સરપંચોએ બેઠક બોલાવી 16મી મે રવિવારથી 23મી મે રવિવાર સુધીનું સંપૂર્ણ લોકડાઉન લગાડવાની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાત સંદર્ભે વલસાડ કલેક્ટર આર. આર. રાવલે સ્પષ્ટતા કરતા ગામોના સરપંચોએ નવો પરિપત્ર બહાર પાડી ગામ લોકોને જાણકારી પુરી પાડી છે.
આ પણ વાંચો : સાવલીમાં એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લૉકડાઉન
વલસાડનું તારીખ 12/05/2021નું જ જાહેરનામું અમલમાં છે
આ અંગે વલસાડ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ આર. આર. રાવલે સ્પષ્ટતા કરી છે કે, વલસાડનું તારીખ 12/05/2021નું જાહેરનામું અમલમાં છે. તે સિવાયના કોઇપણ જાહેરનામા તાત્કાલિક અસરથી રદબાતલ ગણવા અને કોઇપણ ઉદ્યોગ ધંધા કે કારખાનેદારોને જો અનઅધિકૃત અને ગેરકાયદેસર રીતે બંધ કરવાની ફરજ પાડવામાં આવશે, તો તેઓની વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવાની ફરજ પડશે અને આ માટે જરૂરી સૂચના પણ જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી છે.
આ પણ વાંચો : કોરોના સંક્રમણને ફેલાતું રોકવા સણોસરા ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેરકર્યું
સરપંચે જાહેરનામું રદ્દ કર્યું
વધુમાં આ પ્રકારના સત્તાબાહ્ય જાહેરનામાં જે કોઇએ પણ બહાર પાડ્યા હોય તેમની સામે કાયદેસર પગલાં લેવા જિલ્લા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું છે. જે અંતર્ગત ગત 13મી મેના સોળસુંબા ગામના સરપંચ અમિત પટેલે બહાર પાડેલા જાહેરનામા બાદ 15મી મે જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર ગ્રામપંચાયતના લેટરપેડ પર જાહેર કર્યું છે કે, ગ્રામ પંચાયત સોળસુંબા તરફથી સૌ ગ્રામજનોને અપીલ કરવામાં આવે છે કે, તારીખ 13/05/2021ના રોજ ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન અંગે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે કલેક્ટર સાહેબ વલસાડની સુચના મુજબ રદ કરવામાં આવે છે અને હવેથી કલેક્ટર સાહેબ, આરોગ્યવિભાગ અને સરકારના જાહેરનામાં મુજબ વર્તવા અને સુચનાનું પાલન કરવા આપ સૌને અપીલ કરવામાં આવે છે. આપ સૌ માસ્ક પહેરશો, સામાજીક અંતર જાળવશો તેમજ હાથ સેનિટાઈઝ કરશો અને તાવ, શરદી, ખાસી કે કોઈ લક્ષણ જણાય તો તબીબનો સંપર્ક તુરંત જ કરશો.
આ પણ વાંચો : ઉમરગામના સોળસુંબા ગામમાં લાગશે એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન
ગામડાઓમાં પ્રસરેલા કોરોનાની ચેઈન કેવી રીતે તૂટશે ?
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યા છે. ગામલોકોને લોકડાઉન કરવાની તરફેણમાં જોઈ સરપંચોએ બેઠક બોલાવી ઉમરગામ તાલુકામાં 8 જેટલા ગામમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવાની જાહેરાત કરી હતી, પરંતુ કાયદાની આંટીઘૂંટીમાં સરપંચો અવઢવની પરિસ્થિતિમાં મૂકાઇ ગયા છે. સ્વેચ્છિક લોકડાઉન લાગુ કરવું કે કેમ તે પણ એક પ્રશ્ન છે. જો વહીવટીતંત્ર સહકાર અને માર્ગદર્શન નહીં આપે તો ગામડાઓમાં પ્રસરેલા કોરોનાની ચેન કેવી રીતે તોડી શકાશે ? તેવા સવાલ સરપંચો અને ગામલોકોમાં ઉઠ્યા છે.