વલસાડ : વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ અને GSRTC ગાંધીનગર દ્વારા આજથી 3 દિવસીય બાળ વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ ધરમપુર ખાતે કરવામાં આવ્યો છે. જ્યાં વાપી ઉદ્યોગનગરની ઔધોગિક વસાહતમાં આવેલી શાળા દ્વારા રજૂ કરવામાં આવેલી તળાવમાં ઉગતી જંગલી વનસ્પતિ જળકુંભીમાંથી કાગળ બનાવતી કૃતિએ આકર્ષણ જમાવ્યું હતું.
જંગલી જળકુંભી : જળકુંભી એ તળાવના પાણી અથવા નદી નાળામાં ઉગી નીકળતી વનસ્પતિ છે, જે જાળાં સ્વરૂપે અનેક સ્થળે ફેલાયેલી હોય છે. જળકુંભીને કાઢવા માટે નગરપાલિકા, ગ્રામ પંચાયત અથવા મહાનગરપાલિકા લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખે છે. આટલો ખર્ચ કર્યા બાદ બહાર કાઢી નાખવામાં આવેલ જળકુંભી કોઈ ઉપયોગમાં આવતી નથી. ત્યારે વાપી ખાતે આવેલી ઉદ્યોગિક વસાહત પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જળકુંભીના ઉપયોગ વડે પલ્પ અને તેમાંથી કાગળ બનાવવા માટેની કૃતિ રજૂ કરવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
બાળ વિજ્ઞાન પ્રદર્શન : આજથી 3 દિવસીય વલસાડ જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાના 6 તાલુકામાંથી આવેલ દરેક વિભાગની 2 કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. જેમાં આ વર્ષે સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મુખ્ય વિષય ઉપર વિવિધ કૃતિ રજૂ કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
જંગલી જળકુંભી પૈસા બચાવશે : સમગ્ર વિશ્વ હાલમાં ગ્લોબલ વોર્મિંગથી પીડાઈ રહ્યું છે, ત્યારે એક તરફ જંગલોનો નાશ થઈ રહ્યો છે, તો બીજી તરફ વૃક્ષોને કાપી તેમાંથી કાગળ બનાવવા માટે ઉપયોગ થાય છે. કાગળ બનાવવા માટે પાણીનો પણ ઉપયોગ થતો હોય છે. એક A4 સાઈઝ પેપર બનાવવા માટે 1 લીટર જેટલું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. તો બીજી તરફ વૃક્ષોને કાપીને તેનો ઉપયોગ કાગળ બનાવવામાં થાય છે. ત્યારે આવા સમયમાં પર્યાવરણ બચી શકે તેવા હેતુથી બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં એક કૃતિએ ભારે આકર્ષણ જમાવ્યું છે. તળાવના પાણીમાં ઊગી નીકળતી જંગલી વનસ્પતિ જેને લોકો જળકુંભી તરીકે ઓળખે છે, તેના ઉપયોગથી કાગળ પણ બનાવી શકાય છે.
વલસાડની બાળ વૈજ્ઞાનિક : બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં જીવન પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી થીમ ઉપર રિયા રાજેશભાઈ ઉગ્મદડીયા બાળ વૈજ્ઞાનિક દ્વારા જળકુંભીનો ઉપયોગ કરીને કાગળ બનાવવાની કૃતિ રજૂ કરાઈ છે. જેનો પલ્પ બનાવી તેમાંથી કાગળ તેમજ બાદમાં બચતા પાણીમાંથી જંતુનાશક દવા પણ બનાવી શકાય છે. 1000 કિલો જલકુંભીમાંથી 200 કિલો કાગળ બની શકે છે. આમ જંગલી નકામી વનસ્પતિ વડે કાગળ બાદ અન્ય ચીજો પણ બનાવીને નાણાંની કમાણી કરી શકાય અને તેની સાફ-સફાઈ પણ થઈ શકે શકે એમ છે. આમ બાળ વૈજ્ઞાનિકે પોતાની પ્રતિભા શક્તિનું દર્શન કરાવતા કૃતિ રજૂ કરી છે.
વિવિધ વિભાગમાં 60 કૃતિઓ રજૂ : ધરમપુરમાં આવેલ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે જિલ્લા કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ ચાલનારા કાર્યક્રમમાં પાંચ વિભાગમાં કુલ 60 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જે દરેક તાલુકા કક્ષાએ પોતાની પ્રતિભાવો લઈને જિલ્લા કક્ષાએ પહોંચી હતી અને આગામી દિવસોમાં યોજાનાર ઝોન કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં પહોંચશે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી પ્રતિભા શક્તિ બહાર આવે અને સમાજ ઉપયોગી કૃતિ બનાવે તેવા હેતુ સાથે જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.