વલસાડ:કોરોના જેવી બીમારી એકબીજાને અડવાથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાથી થાય છે. જેથી દેશમાં લોકડાઉન લાગું કરાયું છે. જેમાં ગરીબોની સહાય માટે સસ્તાઅનાજની દુકાનોમાં ગરીબોને મફત અનાજ આપવા જણાવાયું છે, ત્યારે તેઓ પોતાની સત્તાનો દૂરપયોગ કરી રહ્યાં છે.
ગરીબોને મફત અનાજની જાહેરાત કરવામાં આવી પરંતુ સંક્રમણ ના ફેલાય એ માટે ઓનલાઇન કુપન કાઢ્યા વિના એટલે કે, કોઈ પણ વ્યક્તિના અંગુઠાના નિશાન લેવા ન પડે અને કોરોના જેવી બીમારીથી સંક્રમિત ન થાય એ બાબતનું વિશેષ ધ્યાન રાખી જે અનાજ ઓફલાઇન (મેન્યુલ)રજીસ્ટરમાં નોંધ કરી આપવાનું હતું. પરંતુ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા ધરમપુર અને કપરાડાના અનેક ગામોમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોએ કુપન હોય એનેજ રાશન આપ્યું અને સાથે સાથે કુપન કઢાવવા માટે દબાણ પણ કર્યું હતું.
વળી, કેટલીક જગ્યા પર તો દુકાનદાર પોતાના દુકાનના ઓટલે બેસીને લોકોના અંગૂઠાના નિશાન લઈને કુપન કાઢતા હતા. છતાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને પૂરવઠા મામલતદાર જાણે ગાંધારીની ભૂમિકામાં હોય એવું જણાઈ આવતું હતું.
સતત ત્રણ દિવસ સુધી અનેક ગામોમાં ઓનલાઇન કુપન કાઢવામાં આવી અને કૂપનો ઉપર જ અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. શું આજ છે તકેદારી અને ગંભીરતા ? એક તરફ રાજ્યના મુખ્યપ્રધાને તેમના ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું જ હતું કે, કોઈ પણ દુકાનદારે અંગૂઠાનું નિશાન લેવાના જ નથી અને માત્ર ઓફલાઇન જ નોંધ કરી અનાજ આપવાનું છે. છતાં ધરમપુર કપરાડામાં સત્તાધારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે, કપરાડાના કારચોન્ડ, પેંધારદેવી, કપરાડા મુખ્ય,વરધા ,માનલા, ખૂટલી, વારોલી જંગલ જેવા ગામો જ્યારે ધરમપુરના નાનીઢોલ ડુંગરી, વિરવલ, પીપરોળ, પિંળવલ, હનુમંતમાલ સહિતના ગામોમાં ઓનલાઇન કૂપનો અંગૂઠો મૂક્યા બાદ જ અનાજ આપાયું છે, ત્યારે તંત્રએ જાહેર કરેલી તકેદારીની કોઈ ગાઈડલાઇન પર સવાલ ઉભા થઈ રહ્યાં છે.