વલસાડ જિલ્લાની વિવિધ કોલેજોમાં અનેક પ્રકારના કોલેજ ડે ની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે વાપી નજીક આવેલ KBS કોમર્સ અને નટરાજ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે જ પોતાનામાં રહેલી કલા કારીગરીના દર્શન કરાવ્યાં હતાં. તેમજ ડે ના પ્રથમ દિવસે વેસ્ટમાંથી બેસ્ટ અને પોસ્ટર પાવર પ્રેઝન્ટેશનમાં વિદ્યાર્થીઓએ પોતાનું કૌવત બતાવતા કોલેજના સ્ટાફે તેમને અભિનંદન પાઠવ્યા હતાં.

કોલેજ ડે અંગે કોલેજના પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણે વિગતો આપી હતી કે, દર વર્ષે કોલેજનું પહેલું સેમેસ્ટર પૂરું થાય એ બાદ ડિસેમ્બર એન્ડમાં ફન વીકનું આયોજન કરવામાં આવે છે. જેનો મૂળ ઉદ્દેશ્ય પરીક્ષા પૂરી થયા બાદ અને નવું સત્ર શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓ થોડા રિફ્રેશ થાય, અભ્યાસ માટે સજ્જ થાય તે માટે વિવિધ ડેનું આયોજન કરવામાં આવે છે. જેમાં સ્પર્ધાત્મક રમતો સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનાથી કોલેજને પણ ઉભરતા સિતારા મળે છે.

પાંચ દિવસના કોલેજ ડે દરમ્યાન દર વખતની જેમ આ વખતે પોસ્ટર પાવર પ્રેજનટેશન કોમ્પિટિશન, ફૂડ મેકિંગ કોમ્પીટીશન, ટિફિન કોમ્પિટિશન, ફેસ પેઈન્ટીંગ, મટકી ડેકોરેશન કોમ્પિટિશન, આરતી થાળી ડેકોરેશન, મહેંદી કોમ્પિટિશન, રેમ્પ વોક, સાડી ડે, મોડેલ મેકિંગ સહિતની થીમનું આયોજન કરવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓમાં રહેલુ સ્ટેજ ફિયર દૂર થાય છે. તેઓ અભ્યાસ સાથે-સાથે અન્ય ઈતર પ્રવૃતિઓમાં પણ પોતાનું કૌવત બતાવી શકે છે.
કોલેજ ડેમાં આગામી દિવસોમાં ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ તેમજ ડરામણા ડ્રેસ અને માસ્ક સાથે કોલેજના વિદ્યાર્થીઓ રેમ્પ વૉક કરવાના છે. તેમજ ફિલ્મી ગીતોના સથવારે ડાન્સ કરી તેના આખરી દિવસની ઉજવણી કરશે. KBS નટરાજ કૉલેજમાં ચાલતા ડે પ્રસંગે કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં ડેની ઉજવણીનો આનંદ છલકાઈ રહ્યો છે.
એક તરફ મોટાભાગની કોલેજોમાં ડે પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે KBS નટરાજ કોલેજ જેવી કેટલીક કોલેજોમાં ડેની ઉજવણી માટે કોલેજ પ્રશાસન દ્વારા જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.