- વલસાડ જિલ્લાના ઓઝર ગામે રક્તદાન કેમ્પનું આયોજન
- વરસાદી માહોલ વચ્ચે લોકોએ રક્તદાન કર્યું
- 15 યૂનિટ બ્લડ એકત્ર થયું
- વલસાડ કલેક્ટરે રક્તદાન કેમ્પમાં હાજરી આપી
- કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉકાળાનું પણ વિતરણ કરાયું
વલસાડઃ આદિવાસી વિકાસ સેવા સંગઠન ટ્રસ્ટ વલસાડ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અનેક સામાજીક કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના કાળ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને અનેક પ્રકારે મદદ પણ પૂરી પાડવામાં આવી છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં બ્લડ ડોનેશન પ્રત્યે જાગૃતતા કેળવાય તેવા હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે પૈકી વલસાડ તાલુકાના ઓઝર ગામે આજે રવિવારે ઓઝર યુવક મિત્ર મંડળ સંચાલિત પ્રાથમિક સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ તાલુકાના મામલતદારે હાજરી આપી હતી. વરસાદી માહોલ હોવા છતાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. બપોરે બે વાગ્યા સુધીમાં 15 બોટલ રક્ત એકત્ર કરવામાં સફળતા મળી હતી, તો સાથે સાથે કોરોનાના કાળ દરમિયાન રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, આદિવાસી વિકાસ સેવા સંગઠન દ્વારા આદિવાસી વિસ્તાર એટલે કે ધરમપુર અને કપરાડા જેવા વિસ્તારોમાં કોરોનાની મહામારી દરમિયાન અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે. જેમાં જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટ અને ઉકાળાના વિતરણ સહિત અનેક કામગીરી કરાઈ હતી. છેલ્લા કેટલાંક સમયથી આદિવાસી વિસ્તારના યુવાનોમાં જાગૃતતા લાવવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. જે પૈકી આજે રવિવારે ઓઝર ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.