વલસાડઃ ધરમપુર ખાતે આવેલા દત્ત મંદિરમાં રંગ અવધૂત મહારાજની 123 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રંગ અવધૂત મહારાજે પહેરેલા વસ્ત્ર અને એમના માથે પહેરેલો મુંગટ જે પ્રસાદ સ્વરૂપે ધરમપુરના મેરાઈ પરિવારને આપવામાં આવ્યો હતો તે ભાવિક ભક્તો માટે દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો. આ સાથે જ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
35 વર્ષ પહેલા આવ્યા હતા રંગ અવધૂત મહારાજ
આજથી ૩૫ વર્ષ પહેલા ધરમપુર ખાતે રંગ અવધૂત મહારાજની પધરામણી થઈ હતી અને તે દરમિયાન ધરમપુરમાં રહેતા મેરઇ પરીવારના ભૂખનદાસ નારણદાસ મેરાઈએ તેમની સેવા ચાકરી કરી હતી. તે સમયે તેમણે રંગ અવધૂત મહારાજને માથે મુગટ અને વસ્ત્ર પહેરવા માટે આપ્યા હતા, જોકે ધરમપુર છોડતા પહેલા રંગ અવધૂત મહારાજે આ તમામ વસ્તુઓ આ પરિવારના ભૂખન દાસને પ્રસાદ સ્વરૂપે આપી હતી અને આજે પણ એ વસ્તુઓ મોજુદ છે.
રંગ અવધૂત મહારાજે પહેરેલા તમામ વસ્તુઓ દત્ત મંદિરમાં ભક્તો માટે દર્શનાર્થે મુકાયા
ધરમપુર મનહર ઘાટ ખાતે આવેલા દત્ત મંદિરે રંગ અવધૂત મહારાજની 123મી જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે મેરાઇ પરિવારને પ્રસાદ સ્વરૂપે મળેલ ચીજવસ્તુઓ ભાવિક ભક્તો માટે દર્શનાર્થે મૂકવામાં આવી હતી.
મહારાજની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ
૧૨૩મી રંગ અવધૂત મહારાજની જન્મ જયંતી નિમિત્તે ધરમપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધર્મની સાથે સાથે સામાજિક દાયિત્વ પણ પૂર્ણ કરતા લોકોએ અન્યનો જીવ બચાવી શકાય તે માટે રક્તદાન કર્યું હતું. આમ, ધરમપુર ખાતે આવેલા દત્ત મંદિરે રંગ અવધૂત મહારાજની જન્મ જ્યંતી નિમિતે વિશેષ કાર્યક્રમોનું આયોજન થયું હતું.