- તમામ વોર્ડ જીતવાનો ભાજપનો દાવો
- ઉમરગામ નગરપાલિકામાં ભાજપનો ચૂંટણી પ્રચાર
- નાસિક ઢોલ સાથે ફટાકડા ફોડીને ચૂંટણી પ્રચાર કર્યો
વલસાડ: ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2માં ભાજપે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો. નાસિક ઢોલના ધબકારે ફટાકડા ફોડીને ભાજપના કાર્યકરોએ દરેક ફળિયામાં મતદારોને ભાજપને મત આપવા અપીલ કરી હતી.
દરેક કાર્યકરમાં અદમ્ય ઉત્સાહ
ગઈકાલે સોમવારે ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2માં ભાજપે ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો. કાર્યકરોએ હાથમાં કમળની ધજા-પતાકા સાથે નાસિક ઢોલના તાલે દરેક ફળિયામાં ફટાકડા ફોડીને પ્રચાર કર્યો હતો. પ્રચાર દરમિયાન ઉમરગામ શહેર ભાજપના કન્વીનર ટીનું બારીએ જણાવ્યું હતું કે, દરેક કાર્યકરમાં અદમ્ય ઉત્સાહ છે. દરેક વોર્ડમાં ફળિયામાં ચૂંટણી પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. કાર્યકરોમાં ભાજપની જીતની અનોખી લહેર જોવા મળી રહી છે. જે જોતા તમામ વોર્ડ પર જીત મેળવશે તેવું લાગી રહ્યું છે.
મતદાનના દિવસે 90 ટકા મતદાનની અપેક્ષા
જે અપક્ષ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેઓનું તેમના વોર્ડમાં કોઈ જ વર્ચસ્વ નથી. ભાજપે ચૂંટણી જીતવા માટે તમામ બૂથ લેવલનું પ્લાનિંગ કરી લીધું છે. 28મી ફેબ્રુઆરીએ મતદાનના દિવસે 90 ટકા આસપાસ મતદાન થવાની અપેક્ષા પણ ટીનું બારીએ વ્યક્ત કરી હતી.
જે કામો બાકી છે તે પણ જીત મેળવીને પુરા કરીશુંઃ ગીરીરાજસિંહ જાડેજા
વલસાડ જિલ્લા ભાજપના મંત્રી ગીરીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપનો આ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર છે. ભાજપે જે વિકાસના કામો કર્યા છે તેનાથી મતદારો ખુશ છે. દરેક પરિવાર સુરક્ષિત છે જે ભાજપને વિજય અપાવશે. જે કામો કરવાના બાકી છે તેવા ગટર, સ્વચ્છતાના કામોને તેમજ અન્ય સમસ્યાઓને પણ આગામી ચૂંટણીમાં જીત મેળવીને પૂર્ણ કરીશું.
કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા
ઉલ્લેખનીય છે કે, ભાજપના વોર્ડ પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો પ્રચારમાં જોડાયા હતાં. એક તરફ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના ચૂંટણી વિભાગે આપી છે. તેમ છતાં મોટાભાગના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડીને માસ્ક પહેર્યા વિના જ ચૂંટણી પ્રચારમાં દરેક ફળિયે ફળિયે ફરતા જોવા મળ્યા હતાં.