- વર્ષોથી કપરાડામાં ભાજપ માટે લોહી રેડનાર કાર્યકરોની ટિકિટ કપાતા રોષ
- આયાતી ઉમેદવારને ટિકિટ આપતા અનેક જુના કાર્યકરોમાં નારાજગી
- નારાજ કાર્યકરોએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવીને કરશે ભાજપનો વિરોધ
વલસાડ: ભારતીય જનતા પાર્ટીનાં વલસાડ કાર્યાલય ખાતે બુધવારે સાંજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 158 બેઠકો માટે ભાજપનાં ઉમેદવારોનાં નામો જાહેર કર્યા છે. જેમાં કપરાડા તાલુકાના કરચોન્ડ જિલ્લા પંચાયત, ઘોટણ અને વાવર જિલ્લા પંચાયતની બેઠકો પર જૂના કાર્યકરોને પત્તા કાપીને નવા ચહેરાઓને મુકવામાં આવતા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરોમાં નારાજગી વ્યાપી ગઈ છે. નારાજ કાર્યકરોએ અપક્ષમાંથી ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. નારાજ કાર્યકરોનું કેહવું છે કે, કપરાડા ભાજપમાં બે ભાગલા પડ્યા છે, જેના કારણે હવે કોંગ્રેસમાંથી ભાજપના આવનાર કાર્યકરોનું માન વધુ છે. જયારે વર્ષોથી પાર્ટી સાથે વફાદારી કરે છે તેમને ટિકિટ અપાઈ નથી. જેથી તેઓ નારાજ છે અને અપક્ષથી ચૂંટણી લડશે.
બેઠકનું નામ | ભાજપનાં ઉમેદવાર |
ઘોટણ તાલુકા પંચાયત | ગોપાલભાઈ કાળુંભાઈ ગાયકવાડ |
ઘોટણ જિલ્લા પંચાયત | મીનાક્ષીબેન અંબાદાસ ગંગોડા |
વાવર જીલ્લા પંચાયત | પરેશભાઈ કાળુંભાઈ પવાર |
કરચોન્ડ જિલ્લા પંચાયત | ભગવાન સોમાભાઈ બાતરી |
કપરાડા ભાજપમાં બે ભાગલા હોવાનું નારાજ કાર્યકરોએ સ્વિકાર્યું
કપરાડા ભાજપમાં વર્ષોથી કામ કરતા માધુભાઈ રાઉતનું નામ ચર્ચામાં હતું. તેઓ વર્ષો જૂના કાર્યકરોને સાથે લઇને ચાલાનારા છે. ત્યારે અચાનક કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીતુભાઇ ચૌધરી ધારાસભ્ય બન્યા બાદ હવે વર્ષો જુના કાર્યકરો જેઓ માધુભાઈ સાથે ફરતા હતા, તે તમામની પેનલો અલગ થઇ જતા ભાજપમાં જ અંદરોઅંદર બે ભાગલા પડ્યા હોવાનું ખુદ કાર્યકરો જણાવી રહ્યા છે અને નરાજગી વ્યક્ત કરી રહ્યા છે કે, હાલમાં જ ધરાસભ્ય બનેલા જીતુભાઇ ચૌધરી દ્વારા તેમના જ કેટલાક લોકોને ટિકિટ અપાવવા માટે ભલામણો કરવામાં આવી રહી છે. જયારે માધુભાઈ સાથે ફરનારા કાર્યકરોને સાઈડ ટ્રેક કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.