- ઉમરગામ નગરપાલિકાની યોજાશે ચૂંટણી
- ભાજપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
- ભષ્ટાચારના કરાઈ રહ્યા છે આક્ષેપ
વલસાડ : ઉમરગામ નગરપાલિકાના 7 વોર્ડમાંથી વોર્ડ નંબર 1 અને 2 માછી સમાજ, હળપતિ સમાજ અને માંગેલા સમાજના પ્રભુત્વવાળા વોર્ડ છે. આ વોર્ડમાં ભાજપના કાર્યકરોએ ટિકિટની માંગણી કર્યા બાદ ટિકિટ નહિ મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેની સામે ભાજપના ઉમેદવારોએ સત્તા મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપના વોર્ડ નં.-1 અને 2માં ભાજપના ઉમેદવાર ગૌરવ કોન્ટ્રાકટર, ચારુશીલાના પતિ વિરેશ પટેલે જણાવ્યું હતું કે, ગત ટર્મમાં આ વિસ્તારના રોડ, ગટર, સ્ટ્રીટ લાઈટના કામો પૂર્ણ કર્યા છે.
વિકાસના કામો પૂર્ણ કર્યા છે
ચૂંટણી પ્રચારમાં મતદારોને તેમના તમામ પ્રશ્નોના નિરાકારણની ખાતરી આપવામાં આવી રહી છે. જે કામ પેન્ડિંગ છે તે આચાર સંહિતાને કારણે થઈ નથી શક્યા તે પણ ચૂંટણી બાદ સત્તામાં આવતાની સાથે પૂર્ણ કરીશું તેમ ઉમેદવારોએ જણાવ્યું છે.
અપક્ષ પેનલે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યાં
અપક્ષ પેનલ સામે છે તે ભાજપના અસંતુષ્ટ કાર્યકરો છે. જેઓ કામ નથી થયા અને ખોટો પ્રચાર કરી વિરોધ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવી રહ્યા છે. પરંતુ તમામ વિકાસના કામો પૂર્ણ થયા છે. ક્યાંય કોઈ ભ્રષ્ટાચાર આચરાયો નથી તેવુ પણ જણાવ્યું હતું.
મતદારોમાં ભાજપ સામે વિરોધનો સુર
ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં.-1 અને 2માં ચૂંટણીને લઈને કાર્યકરો અને મતદારોમાં ભાજપ સામે વિરોધનો સુર ઉઠ્યો છે, તે જગજાહેર છે. જેમાં ક્યાંકને ક્યાંક ઉમેદવારો પર સ્થાનિક નેતાઓના પ્રભુત્વનો અહંકાર કારણભૂત છે. ત્યારે ભાજપ સામે ચૂંટણીમાં બાજી કોણ મારશે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.