વલસાડઃ કપરાડા તાલુકાના બાલચોંડી ગામે આવેલા ભુવનેશ્વર મહાદેવનું મંદિર 1961માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. જો કે, તેની બાજુમાં સદીઓ પહેલાથી સ્વયંભૂ એવું હનુમાનજીનું મંદિર આવેલું છે અને આગળ લોકોની ખૂબ જ આસ્થા છે. 1962થી શિવરાત્રી પર્વે બે દિવસીય લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં મનોરંજનના સાધનો રમકડાના સ્ટોલ, ફરસાણની દુકાનો, ચકડોળ, મોતના કૂવા સહિતની વિવિધ મનોરંજન પણ જોવા મળે છે અને તેનો લાભ લેવા માટે આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે.
મહત્વનું છે કે, શિવરાત્રિની પૂર્વસંધ્યાએ અહીંથી વહેતી નદી નજીક આવેલા પાણીના કુંડમાં લોકો સ્નાન કરીને ભુલેશ્વર મહાદેવના દર્શનાર્થે પહોંચે છે અને આ વર્ષે શિવરાત્રિની પૂર્વસંધ્યાના દિવસથી જ સેંકડોની સંખ્યામાં લોકો મંદિરે દર્શનાર્થે આવી રહ્યા છે. જો કે, આ તમામ જનમેદનીને પહોંચી વળવા માટે ગામના સરપંચ હરેશભાઇ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરની આસપાસમાં લોકો લાઈનમાં ઊભા રહીને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ કાયદો અને સુરક્ષા જળવાઈ રહે તે માટે અહીં નાનાપોન્ડા પોલીસ દ્વારા પણ વિશેષ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આદિવાસી વિસ્તારમાં તહેવારોનો ખૂબ જ મહત્વ રહેલું છે. આદિવાસી વિસ્તારમાં લોકો ભલે રોજીરોટી કમાવવા માટે અનેક શહેરોમાં વસવાટ કરતા હોય છે, પરંતુ હોળી દિવાળી અને શિવરાત્રિ જેવા તહેવારને પગલે તેઓ પોતાના વતન અને પોતાના સ્વજનો સાથે પોતાના ઘરે પહોંચી જતા હોય છે અને તહેવારોની ઉજવણી કરે છે. આ વર્ષે પણ શિવરાત્રિ મહોત્સવના મેળામાં બાલચોંડી ખાતે સેંકડોની જનમેદની ઊમટી પડે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.