- વલસાડ જિલ્લામાં 10 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન
- કોરોનાનું સંક્રમણને અટકાવવા નાનાપોંઢા APMCમાં 5 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન
- ખેડૂતો અને વેપારીઓ આ સ્વેચ્છિક બંધમાં જોડાયા
વલસાડઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી જિલ્લામાં મંગળવારથી 10 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે APMC માર્કેટમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો છે. જે પૈકી કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે આવેલી APMC માર્કેટમાં 5 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે.
નાનાપોંઢા APMC શાકભાજીનું ગણાય છે હબ
કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં ખેતીવાડીમાં શાકભાજીનું ઉત્પાદન કરી તેના વેચાણ માટે નાનાપોંઢા ખાતે આવેલા APMCમા અનેક ખેડૂતો લઈને આવે છે અને અહીંથી વેપારી વર્ગ પણ ખેડૂતે લઈ આવેલા શાકભાજીના ઉત્પાદનને ખરીદીને અન્ય બજારોમાં લઈ જતા હોય છે, ત્યારે શાકભાજીનું હબ ગણાતા નાનાપોંઢા ખાતે આવેલી APMCમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે આગામી પાંચ દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. જે પૈકી મંગળવારથી તેનો અમલ શરૂ થયો છે. આજે મંગળવારે વહેલી સવારથી જ APMCની તમામ દુકાનો બંધ રહી હતી અને કોઈ પણ ખેડૂતો પોતાની ખેતપેદાશ લઈ વેચાણ અર્થે આવ્યાં ન હતા.
આ પણ વાંચોઃ વલસાડ કપરાડા ગ્રામ પંચાયત દ્વારા 7 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન
કપરાડા તાલુકાના 170થી વધુ ગામોના લોકો માટે APMC માર્કેટ જીવાદોરી સમાન
કપરાડા તાલુકામાં મોટા ભાગે વસવાટ કરતી આદિવાસી પ્રજાના લોકો ખેતીવાડીમાં પોતાની રોજી મેળવે છે. શાકભાજીનું અહીં બારેમાસ ખેતરોમાં ઉત્પાદન થાય છે. ત્યારે તેના વેચાણ અર્થે ખેડૂતો APMC ખાતે લઈને આવે છે અને અહીંથી જ તેઓને ઉત્પાદનના વેચાણ બાદ પોતાની મહેનતનું વળતર મળતું હોય છે, ત્યારે ખેડૂતો માટે APMC માર્કેટ એ હાલતો જીવાદોરી સમાન છે. પરંતુ જે રીતે કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે, તેને જોતા APMC દ્વારા 5 દિવસ માટે હાલ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તારીખ 20થી 25 એપ્રિલ સુધી APMC બંધ
સામાન્ય દિવસોમાં વહેલી પરોઢિયે 4 વાગ્યાની આસપાસથી જ APMC માર્કેટમાં વેપારીઓ અને ખેડૂતો આવતા હોય છે. વિવિધ શાકભાજીની ચીજ વસ્તુઓના ખરીદ-વેચાણ માટે મોટી સંખ્યામાં વેપારીઓ અને ખેડૂતો પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓ લઈ APMC માર્કેટ સુધી પહોંચી જતા હોય છે અને અહીં માત્ર બેથી ત્રણ કલાકમાં વહેલી પરોઢિયે ખરીદ વેચાણ કરતા હોય છે. પરંતુ કોરોનાને ધ્યાને રાખીને હાલ તારીખ 20 થી 25 સુધી APMC માર્કેટ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ વલસાડ અને સંઘપ્રદેશમાં 2 દિવસમાં 437 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 11ના મોત
નાસિક નજીક હોવાને કારણે ત્યાથી પણ વેપારીઓ અહીં ટામેટાના વેચાણ અર્થે આવે છે
મહારાષ્ટ્રના નાસિકની બોર્ડર કપરાડાથી ખૂબ જ નજીક હોવાને કારણે નાસિકના અનેક ખેડૂતો પોતાના ખેતરમાં વાવેલા ટામેટા, ધાણા, લીલા મરચાં સહિતની ચીજવસ્તુઓના વેચાણ અર્થે વહેલી પરોઢિયે APMC નાનાપોંઢા ખાતે આવતા હોય છે, પરંતુ હાલ મહારાષ્ટ્રમાં પણ કોરોના સંક્રમણ વધુ હોવાને કારણે આર્ટિફિશિયલ ટેસ્ટ વિના તેઓને પણ ગુજરાતમાં પ્રવેશ મળી શકે તેમ નથી. જેના કારણે હાલ મહારાષ્ટ્રથી આવતા મોટાભાગના ખેડૂતો હાલ આવતા નથી. સરકારની ગાઇડ લાઈનને અનુસરતાની સાથે માર્કેટમાં વધતી ભીડમાં કોરોનાનો સંક્રમણ ન વધે એવા હેતુથી APMC સંચાલકો દ્વારા 5 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને તેનો અમલ પણ આજથી ચુસ્તપણે શરૂ કરી દેવાયો છે.