- આંગણવાડી અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા
- કાર્યક્રમમાં કોવિડ-19ના તમામ પ્રોટોકોલનું કરાયું પાલન
- માત્ર 42 વ્યક્તિઓની હાજરીમાં કરાયું કાર્યક્રમનું આયોજન
વલસાડ: વર્ષ 2018-19ના માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ કોવિડ-19ની મહામારીના લીધે અગાઉ સ્થગિત રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમનું હવે કોવિડ-19ના તમામ પ્રોટોકોલના પાલન સાથે માત્ર 42 વ્યક્તિઓની હાજરીમાં આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે આંગણવાડીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને પ્રોત્સાહન મળે તે માટે માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2018-19ના માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ કોવિડ-19ની મહામારીના લીધે અગાઉ સ્થગિત રાખવામાં આવ્યો હતો. પરંતુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની પ્રોત્સાહક કામગીરીને બિરદાવવા ICDS શાખા વલસાડ દ્વારા માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કોવિડ-19ના તમામ પ્રોટોકોલના પાલન સાથે માત્ર 42 વ્યક્તિઓની હાજરીમાં જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલના અધ્યક્ષસ્થાને રાજીવ ગાંધી હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
રોકડ પુરસ્કારથી કરાયા સન્માનિત
આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા ધરમપુર ઘટક-1, આંબાતલાટ પવાર ફળીયા આંગણવાડીના કાર્યકર ઊર્મિલાબેન ભોયાને રૂપિયા 31 હજાર, આંગણવાડી તેડાગર સુમિત્રાબેન ખીરાડીને રૂપિયા 21 હજાર તેમજ ઘટક કક્ષાના ગ્રામ્ય કક્ષાના 15 આંગણવાડી કાર્યકર બહેનોને રૂપિયા 21 હજાર તથા 15 આંગણવાડી તેડાગર બહેનોને રૂપિયા 11 હજાર તેમજ શહેરી કક્ષાએ નગરપાલિકા વિસ્તારના પસંદગી પામેલા ત્રણ આંગણવાડી કાર્યકર બહેનોને રૂપિયા 21 હજાર, ત્રણ આંગણવાડી તેડાગર બહેનોને રૂપિયા 11 હજારના ચેક, માતા યશોદા એવોર્ડ, પ્રમાણપત્ર અને શાલ આપી જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ સહિતના મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમના અંતે કરાઈ આભારવિધિ
આ કાર્યક્રમ અંગેની યોજનાકીય જાણકારી અને એવોર્ડ મેળવવા માટે લેવામાં આવતા માપદંડોની માહિતી પ્રોગ્રામ ઓફીસર જ્યોત્સનાબેન દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે CDPO પારડી ઘટક-2 દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કારોબારી સમિતિના અધ્યક્ષ શંકર પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા ભાનુબેન પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને નિયામક DRDA વાય. બી. ઝાલા સહિતના સંબંધિત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો હાજર રહ્યા હતા.