- 28મી નવેમ્બરે વાપી પાલિકાનું મતદાન
- પાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આપ પણ મેદાનમાં
- ગત ટર્મમાં ભાજપે 44માંથી 41 બેઠક કબ્જે કરી હતી
વાપી : 3 લાખ આસપાસની વસ્તી ધરાવતા અને 1,02,205 જેટલા મતદારો ધરાવતા વાપી નગરપાલિકામાં આગામી 28મી નવેમ્બરે પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન (Vapi municipality election) થવાનું છે. ત્યારે આ વખતે વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ (bjp vs congress vs aap) જામવાનો છે.
8મી નવેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
આગામી 28મી નવેમ્બરે વાપી નગરપાલિકાની ચૂંટણી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ (vapi bjp), કોંગ્રેસ (vapi congress) ઉપરાંત આમ આદમી પાર્ટી (vapi aap ) પણ તમામ 11 વોર્ડની 44 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. જે માટે ત્રણેય પક્ષોએ ઉમેદવાર પસંદગી સહિત ચૂંટણી પ્રચારની રણનીતિ ઘડી કાઢવા બેઠકોનો દૌર શરૂ કર્યો છે. 8મી નવેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થનાર છે. ત્યારે આ વાપી નગરપાલિકાને ફરી કબ્જે કરવા ભાજપે કવાયત શરૂ કરી છે. આ અંગે વલસાડ જિલ્લામાં ભાજપના સર્વેસર્વા કહેવાતા અને હાલમાં ગુજરાત રાજ્યના નાણાં પ્રધાન પદે બિરાજેલા કનું દેસાઈએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં વાપી નગરપાલિકાની તમામ 44 બેઠકો જીતવાનો નીર્ધાર પાર્ટીએ સેવ્યો છે. જે માટે સારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે.
આપને ગાંધીનગરમાં માત્ર એક સીટ જ મળેલી
કનું દેસાઈએ આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને કેટલું નુકસાન પહોંચાડશે તે અંગે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ગાંધીનગર નગરપાલિકામાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા બાદ માત્ર એક સીટ પર વિજય મેળવ્યો હતો. અને ભાજપે તેમનો પરિચય આપી દીધો હતો કે, ભાજપ કાર્યકરોનુ બહોળું સંગઠન ધરાવતી પાર્ટી છે અને કાર્યકરો થકી જ જીત મેળવતી આવી છે. જ્યારે વાપી નગરપાલિકામાં ગત ટર્મ ભાજપને ફાળે રહ્યા બાદ અનેક વિકાસના કાર્ય કર્યા છે. આગામી ચૂંટણીમાં પણ પાલિકા કબ્જે કરી પીવાના પાણી, ડ્રેનેજ, STPના અધૂરા કર્યો પૂર્ણ કરશે.
આ ચૂંટણીમાં આપ જીત મેળવશે
જ્યારે વાપી નગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રભારી ડૉ. રાજીવ પાંડેએ જણાવ્યું હતું કે, આ ચૂંટણી આમ આદમી પાર્ટી તમામ 44 બેઠકો પર લડી રહી છે. સ્થાનિક મુદ્દાઓને પ્રાધાન્ય આપી આપ પાર્ટી મતદારો સમક્ષ જશે. ઉમેદવાર પસંદગીમાં પણ પાર્ટીએ પ્રભાવશાળી વ્યક્તિને, ક્રિમિનલ કે અશિક્ષિત વ્યક્તિને ટીકીટ આપવાને બદલે સ્વચ્છ છબી ધરાવતા આમ કાર્યકરને ટીકીટ આપવાનું નક્કી કર્યું છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીત મેળવશે.
શિક્ષણ, આરોગ્ય, સારા રસ્તાઓ જેવા મુદ્દાઓ
ડૉ. સંજીવ પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, ગત ટર્મમાં 44 માંથી 41 બેઠક કબ્જે કર્યા બાદ પણ ભાજપે વાપીનો વિકાસ કર્યો નથી. અપક્ષ કયાંય નજરમાં નથી. એટલે લોકો પણ ઈચ્છે છે કે ટોપીવાળા, ઝાડુવાળા આ ચૂંટણી જંગમાં આવે અને સ્થાનિક મુદ્દાઓ સાથે બદલાવ લાવે. ગાંધીનગરની ચૂંટણી અંગે પાંડેએ જણાવ્યું હતું કે ત્યાં અમને ભલે એક સીટ મળી હોય, પરંતુ અમે 23 ટકા મત મેળવ્યા હતાં. જે મતનો આંકડો વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ચોક્કસ વધશે. વાપીમાં શિક્ષણ, આરોગ્ય, સારા રસ્તાઓ જેવા મુદ્દાઓ સાથે મતદારો સમક્ષ જશું અને જીત મેળવીશું.
ભાજપે જે વાયદા કર્યા હતા તે પરિપૂર્ણ કર્યા નથી
ગત ચૂંટણીમાં માત્ર 3 બેઠક પર વિજય મેળવનાર કોંગ્રેસે આ વખતની પાલિકાની ચૂંટણી માટે જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પણ તમામ 11 વોર્ડની 44 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. જે અંગે વાપી શહેર પ્રમુખ નિમેશ વશીએ જણાવ્યું હતું કે, આ વખતે અમારી રણનીતિ ક્લિયર છે. ભાજપે જે વાયદા કર્યા હતા તે પરિપૂર્ણ કર્યા નથી. ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના કાઉન્સિલરોનું કંઈ ઉપજતું નથી. ત્યારે કોંગ્રેસના ઉમેદવારો આ ચૂંટણીમાં જીત મેળવી પ્રજાના કાર્ય પુરા કરશે.
સ્થાનિક મુદ્દાઓ સાથે મતદારો સમક્ષ પ્રચાર કરશે
કોંગ્રેસના નિમેશ વશીએ પણ જણાવ્યું હતું કે, તેમણે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. કોંગ્રેસના ઉમેદવારો ભાજપે કોવિડ કાળમાં મિલકત વેરામાં રાહત નથી આપી તે મુદ્દા સાથે પાલિકા વિસ્તારના સાફસફાઈ, તકલાદી રસ્તાઓના કામ જેવા મહત્વના સ્થાનિક મુદ્દાઓ સાથે મતદારો સમક્ષ જશે.
વાપી નવરપાલિકામાં 1,02,205 મતદારો
ઉલ્લેખનીય છે કે, વાપી નગરપાલિકા વિસ્તારમાં અંદાજીત 3 લાખ જેટલી વસ્તી છે. જેમાંથી 1,02,205 મતદારો છે. કુલ 11 વોર્ડમાં 44 બેઠકો છે. ગત ટર્મમાં આ 44 બેઠકમાંથી 41 બેઠકો ભાજપે કબ્જે કર્યા બાદ પણ વાપીમાં જોઈએ તેવા વિકાસના કામો થયા નથી. જ્યારે કોંગ્રેસ પણ વિપક્ષની ભૂમિકા ભજવવામાં સદંતર નિષ્ફળ નીવડી હતી. આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. શિવસેના પણ ગણતરીની પાંચેક બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. જો કે મુખ્ય મુકાબલો આ વખતે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થવાનો હોય આપ પાર્ટી ભાજપને કેટલું નુકસાન પહોંચાડે છે તેની ગણતરી અત્યારથી જ દરેક પક્ષમાં શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વીજળી કે કોલસાની જરાય અછત નથી, વાપીમાં નાણા પ્રધાન કનુ દેસાઈનું નિવેદન
આ પણ વાંચો: વાપીના પ્રસિદ્ધ જલારામ મંદિરે કોરોના મહામારીને કારણે અન્નકૂટ અને જલારામ જયંતીના આયોજનો મૌકૂફ રખાયા