વલસાડઃ પારડીની કંપનીમાં કામ કરતા બે સહકર્મચારીઓ બલેનો કારમાં પરત વલસાડ તરફ જઈ રહ્યાં હતા, ત્યારે અતુલ ઓવર બ્રિજ ઉપર મહિલા કાર ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઇડર ઓળંગી સામે આવતા ટ્રકમાં ઘુસી જતા કારમાં સવાર યુવક અને કારચાલક યુવતીનું ગંભીર ઈજાઓને પગલે મોત છે.
પારડી જીઆઈડીસીમાં આવેલી ઇનોપેક સેલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્વેતા પ્રેમસિંગ ચૌધરી રહે અબ્રામા વલસાડ અને વલસાડ અટગામ ખાતે રહેતા રાહુલભાઈ બંને પારડીની કંપનીમાં કામ પૂર્ણ કરી પોતાની કાર લઈ પરત થઈ જઈ રહ્યાં હતાં. જેમાં કાર શ્વેતાબેન ચલાવી રહ્યાં હતા. પૂરપાટ ઝડપે અને કાર ગફલત ભરી રીતે ચલાવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અતુલ ઓવર બ્રિજ ઉપર કાર ડીવાઇડર ઓળંગીને સામે આવી રહેલા ટ્રક સાથે ભટકાઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર બંને લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પૂર્વ જ મોત થયા હતાં.
આ ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સમગ્ર બાબતે પોલીસને જાણકારી આપી હતી. જે બાદ પોલીસ સ્થળ ઉપર પહોંચી બંને મૃતકોના મૃતદેહ પાસેથી મળેલી ચીજોને આધારે પરિજનોને જાણ કરવામાં આવી હતી, ત્યાર બાદ મૃતદેહને વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યા. હતા. આ સમગ્ર બાબતે પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.