વલસાડ: કપરાડા તાલુકાના માંડવા નજીક આવેલા કુંભઘાટ ઉપર મોટી સંખ્યામાં અકસ્માતો થતા આવ્યા છે. આજે વહેલા પરોઢિયે 4 વાગ્યાની આસપાસ કર્ણાટકથી ચોખાની ગુણો ભરેલી ટ્રક, નમ્બર કે એ 56 ,1868 જે ઉમરગામના સંજાણ સુધી જવા નીકળી હતી. તેના ચાલકે કુંભઘાટ ઉપરથી ઉતરતી વેળાએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની બાજુમાં આવેલા એક સાગના ઝાડમાં અથડાઈ હતી અને પલટી ગઈ હતી. જેને પગલે ટ્રકચાલક સૈયદ નૂરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કેબિનમાં ઉંઘી રહેલા અન્ય અઝીમુદ્દીનને નાની-મોટી ઈજાઓ થતા 108 મારફતે કપરાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, ટ્રક પડી જવાને કારણે ચોખાની અનેક ગુણો રોડની બહારના ભાગે નીચે પડી જતા કેટલીક બોરીઓ પણ ફાટી ચૂકી હતી. તેમાંથી ચોખા બહાર નીકળી ગયા હતા. આમ આ ચોખાનો જથ્થો મંગાવનારને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
કપરાડા તાલુકાના કુંભઘાટ ખાતે આ અગાઉ પણ અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. અહીંયા પણ પીડબલ્યુડી વિભાગ દ્વારા રોડની આજુબાજુમાં વિવિધ સાઈનબોર્ડ પર મૂકવામાં આવ્યા છે. પરંતુ રાત્રી દરમિયાન પૂરપાટ ઝડપે નીકળતા વાહનચાલકો આ સાઇન બોર્ડને પણ જોતા નથી અને બેફામ ગાડી હંકારતા આવી ઘટનાઓ બનતી હોય છે.