9મી એપ્રિલે 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. તે બાદ એક તરફ પાસ થનાર વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર હતી, ત્યારે બીજી તરફ એકથી વધુ વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી હતી. આવતા વર્ષથી અભ્યાસક્રમ બદલાઈ રહ્યો છે. બીજી બાજુ માધ્યમિક બોર્ડે નવો નિયમ લાગુ કર્યો છે. નાપાસ થયેલાં વિદ્યાર્થીઓ માત્ર એક જ વિષયની પરીક્ષા આપી શકશે. શિક્ષણ વિભાગના આ નિયમથી હજારો વિદ્યાર્થીઓનું વર્ષ અને ભવિષ્ય બંન્ને બગડશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વાપી તાલુકાના પારડી તાલુકાના વિદ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી. નિષ્ફળ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયની પૂરક પરીક્ષા આપી શકવાના નિયમને લાગુ કરવાની માગ કરાઈ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, જુલાઇ માસ પહેલા જ જો GSEB વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી યોગ્ય નિર્ણય લે. જો બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ બે વિષયની પૂરક પરીક્ષા આપે તો તેનું આખું વર્ષ બગડતું અટકશે. જો આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલની ચીમકી પણ વિદ્યાર્થીઓએ ઉચ્ચારી છે.