- ધરમપુરના 'અડગ મનના માનવી' દિવ્યાંગ યુવકનું અનોખું ઉદાહરણ
- સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સંગીતના શોખીન તરીકે જાણીતો બન્યો દિવ્યાંગ યુવક
- યુવક શારીરિક રીતે દિવ્યાંગ છે પણ માનસિક રીતે પગભર છે
વલસાડ: આ વાત છે વલસાડ જિલ્લાના ધરમપુર પાસે આવેલા કાનજી ફળિયામાં રહેતા યોગેશભાઈની. તેઓ નાના હતા ત્યારથી જ તેમને પોલિયોની બીમારી થતાં એક પગ કામ કરતો બંધ થઈ ગયો હતો. તેઓ ઘરમાં મોટા હોવાથી નાના ભાઈ બહેનનીની જવાબદારી પણ તેમના ઉપર હતી. તેઓ શારીરિક સમસ્યાઓનો ભોગ બન્યા હોવા છતાં તેમણે હાર માની નહતી અને દરેક મુશ્કેલીનો મુકેશ સામનો કરી સતત આગળ વધતા રહ્યા. પ્રથમ તેમણે દુકાન ખોલી અને આજીવિકાની શરૂઆત કરી હતી. પરંતુ ત્યારબાદ તેમને સંગીતનો રંગ લાગ્યો અને તેમણે સંગીતને પોતાની કારકિર્દી બનાવી. આજે તેઓ બેન્જો, પિયાનો, ડીજે સહિત અનેક વાદ્યો વગાડી શકે છે અને પોતાની આજીવિકા મેળવે છે.
સંગીતમાં સિદ્ધિ મેળવ્યા બાદ ભાઈ બહેનને ભણાવ્યા
સંગીતને આત્મસાત કર્યા બાદ તેમણે બંને ભાઈ બહેનોને પણ મોટા કર્યા અને તેમના બંને ભાઈ-બહેન હવે દેશની સેવામાં કાર્યરત છે. તેમની બહેન ભાવિની પટેલ જેઓ ઈમ્ફાલ મણિપુર ખાતે CRPFમાં ફરજ બજાવે છે અને CRPFની પ્રથમ 30 મહિલા કમાન્ડોમાં તે સામેલ છે. સાથે સાથે એમના ભાઈ પણ કાશ્મીરના અનંતનાગમાં CRPFમાં જવાન તરીકે સેવા આપે છે.
દિવ્યાંગ યોગેશભાઈ પર્યાવરણ પ્રેમી પણ છે
યોગેશભાઈને માત્ર સંગીતનો જ શોખી છે અવું નથી. તેઓ પર્યાવરણ પ્રેમી પણ છે. તેમના ઘરઆંગણે તેમણે વિવિધ ફૂલછોડ અને બોનસાઈ પણ તૈયાર કર્યા છે. યોગેશભાઈ શારીરિક રીતે દિવ્યાંગ છે પરંતુ માનસિક રીતે નહીં. તેઓ રિક્ષા અને મોટરકાર પણ સહજ રીતે ચલાવી શકે છે.
સંગીતના સાધનો ભાડે આપી બીજાને રોજગારીમાં મદદ કરે છે યોગેશભાઈ
હાલમાં યોગેશભાઈ પોતાની પાસે ડીજે તેમજ વિવિધ સાઉન્ડ સિસ્ટમ ધરાવે છે. તેઓ લગ્ન કે ધાર્મિક પ્રસંગે સંગીતના સાધનો ભાડેથી આપે છે અને દરેક જગ્યા ઉપર ઓર્ડર પણ મેળવે છે. આ કામગીરીમાં તેમની સાથે 20થી વધુ લોકો જોડાયેલા છે જેને તેઓ રોજી પણ પૂરી પાડી રહ્યા છે.
વિશ્વ વિકલાંગ દિવસે દેશના તમામ દિવ્યાંગો માટે શું કહે છે યોગેશભાઈ?
આજે વિશ્વ વિકલાંગ દિવસ છે. ત્યારે યોગેશભાઈ દિવ્યાંગ લોકોને સંદેશો આપતા જણાવે છે કે, ક્યારેય પણ હાર માનવી જોઈએ નહીં. માનસિક રીતે મજબૂત હોઈએ તો કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે. જેથી હંમેશા મુશ્કેલી સામે અડગ બનીને લડતા શીખવું જોઈએ. યોગેશભાઈ દિવ્યાંગ હોવા છતાં લોકડાઉનનાં સમયમાં પોતાની રિક્ષામાં તેમણે અનેક જગ્યાઓ ઉપર અનાજની વહેંચણી કરી હતી. સાથે જ અનેક લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પણ પહોંચાડ્યા હતા.
અન્ય દિવ્યાંગો માટે યોગેશભાઈ છે પ્રેરણા
કાળા માથાનો માનવી ધારે તો ગમે તેવી મુશ્કેલીઓમાં પણ રસ્તો મેળવીને પોતાની સિદ્ધિ હાંસલ કરી શકે છે. યોગેશભાઈ પણ કંઈક આવી જ સ્થિતિમાંથી સિદ્ધિ હાંસલ કરીને સંગીતના ક્ષેત્રમાં તેમણે પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. જે અન્ય દિવ્યાંગ લોકો માટે પણ એક પ્રેરણા પૂરી પાડે છે.