- કાળા બજારીયા તત્ત્વોને જેર કરવા તપાસની ઝુંબેશ સતત ચાલુ રહેશેઃ જિલ્લા કલેકટર આર.આર.રાવલ
- પુરવઠા અધિકારીએ છાપો મારતા સ્થળ ઉપરથી ઘઉં અને ચોખાનો જથ્થો મોટી સંખ્યામાં મળી આવ્યો
- અનાજનો જથ્થો મિલમાલિક દ્વારા મુંબઈ મોકલવામાં આવતો હતો જે તપાસમાં બહાર આવ્યું છે
- આકસ્મિક છાપો પડતા સ્થળ ઉપરથી એક આખી ટ્રક ભરીને અનાજનો જથ્થો મળી આવ્યો છે
વલસાડઃ જિલ્લા પુરવઠા અધિકારી વી.સી.બાગુલ, કપરાડા મામલતદાર કે.એસ. સુવેરાની ટીમે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ખજૂર ફળિયામાં આવેલી જોગવેલ ફલોર એન્ડ રાઇસ મીલની જિલ્લા પુરવઠા અધિકારી અને કપરાડા મામલતદાર દ્વારા કરાયેલી આકસ્મિક ચકાસણીમાં આવી હતી.
સ્થળ ઉપરથી અનાજ ભરેલી એક ટ્રક પણ મળી આવી
ફલોર મીલમાં રાખવામાં આવેલા ઘઉં, ચોખા તથા ટ્રકમાં ભરવામાં આવેલા ઘઉંના જથ્થા બાબતે ફલોર મીલના માલિક દ્વારા સંતોષકારક ખુલાસો કરવામાં આવ્યો ન હતો.
આ જથ્થાની પ્રાથમિક ચકાસણી કરતાં તે સરકારી હોવાનું જણાતાં ઘઉં 87,200 કિલો કિંમત રુપિયા 13.95 લાખ, ચોખા 7,950 કિલો કિંમત રુપિયા 1.35 લાખ અને ટ્રકની કિંમત રુપિયા 4.75 લાખ મળી કુલ રુપિયા 20.05 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં તપાસની આગળની નિયમોનુસાર આગળની કાર્યવાહી થઇ રહી છે. ભવિષ્યમાં આવા કાળા બજાર કરવાવાળા તત્ત્વોને પકડવા તપાસની ઝુંબેશ ચાલુ રહેશે તેમ જિલ્લા કલેકટર રાવલ દ્વારા જણાવ્યું છે.
તાજેતરમાં જિલ્લા કલેકટર આર.આર.રાવલે જિલ્લા પુરવઠા અધિકારી, તાલુકા મામલતદાર અને નાયબ મામલતદાર પુરવઠા વિભાગ સાથે બેઠક યોજી જિલ્લામાં કાળા બજાર કરતા તત્વોને પકડી પાડવા માટે સખત ચેકિંગ હાથ ધરવા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી.