- ભિલાડ રેલવે ક્રોસિંગ પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત
- એક મહિનામાં 3 ગમખ્વાર અકસ્માત
- અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો
ભિલાડ (વલસાડ) : ભિલાડ નજીક નેશનલ હાઇવે નંબર 48થી ઉમરગામ-સરીગામ જતા રેલવે ક્રોસિંગ પર બુધવારે એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ વળાંક વાહનચાલકો માટે મોતનો વળાંક બનતો આવ્યો છે. અહીં આ પહેલા પણ અનેક અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યા છે.
અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યા
બુધવારે મુંબઈ તરફથી આવતી ટ્રક અને કાર વચ્ચે ભિલાડ રેલવે ક્રોસિંગ પાસે નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હતો. 27મી જાન્યુઆરીની જેમ અહીં 27મી ડિસેમ્બરે પણ એક કાર અને કન્ટેઇનર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ફરી આ જ સ્થળે 31મી ડિસેમ્બરે પણ એક કાર અને લોખંડની એન્ગલ ભરેલા ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક અને ટેમ્પો ચાલક ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત ઝોન બન્યું ક્રોસિંગ સ્થળ
આ સ્થળ છેલ્લા ઘણા સમયથી અકસ્માત ઝોન બન્યું છે. અહીં સરીગામ, ઉમરગામ તરફથી આવતા કે જતા વાહનો જ્યારે નેશનલ હાઇવે પર ચડવા જાય છે. ત્યારે ક્રોસિંગ પર બમ્પ કે અન્ય કોઈ સાઈન બોર્ડ ના હોવાથી પુરઝડપે આવતા વાહનો સાથે અકસ્માત નોતરી બેસે છે. રાત્રિના સમયે અહીં લાઈટની પણ સુવિધા ના હોવાથી વધુ અકસ્માત થતા આવ્યા છે. આ અંગે સ્થાનિકોએ હાઇવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્રને અનેક રજુઆત કરી છે. પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.