- ધરતીકંપના એપી સેન્ટર પર બની છે ભૂકંપપૃફ કોલેજ
- ધૂંદલવાડી ગામ અને તેની આસપાસનો વિસ્તાર અર્થક્વેક ઝોન છે
- વાપી સુધી વર્તાય છે ધરતીકંપના આંચકાની અસર
વાપી: જેમ કચ્છ-સૌરાષ્ટ્રના વર્ષ 2001ના ભૂકંપ બાદ લોકો આજે પણ તેના ડરથી ધ્રુજી રહ્યા છે. તેવો જ ડર વર્ષ 2018થી ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા વલસાડ, સેલવાસ, દમણ અને પાલઘરના લોકોમાં છે. સૌથી વધુ વરસાદી પાણી મેળવતા આ વિસ્તારોમાં ચોમાસાનું પાણી જ ભૂકંપ નામના ગંભીર ખતરા માટે જવાબદાર બની રહ્યું છે. કચ્છ-સૌરાષ્ટ્રના પેટાળમાં ઉત્પન્ન થતા હૉરિઝૉન્ટલ પ્રકારના ભૂકંપને બદલે અહીં વર્ટિકલ પ્રકારનો ભૂકંપ જમીનમાં રહેલા ગરમ પાણીના ઝરાને કારણે ભવિષ્યમાં મોટી ખુવારી સર્જી શકે છે.
1.6થી 4.9 રિકટર સ્કેલના આંચકાઓ નોંધાયા
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પાલઘરના ધૂંદલવાડી સહિત આસપાસના વિસ્તારમાં આવતા ભૂકંપના આંચકાઓ માટે સિસ્મોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લગાવવામાં આવ્યા છે. વર્ષ 2018થી સતત આવા આંચકાની અસર પાલઘર જિલ્લા ઉપરાંત વલસાડ, દમણ અને સેલવાસના વિસ્તારોમાં પણ વર્તાતી આવી છે. જેમાં 1.6ના રિકટર સ્કેલથી 4.9 રિકટર સ્કેલના અનેક આંચકાઓ આ વિસ્તારમાં નોંધાઇ ચુક્યા છે.
આ પણ વાંચો: સુરતમાં 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
ધૂંદલવાડી ગામ ધરતીકંપના આંચકાનું કેન્દ્રબિંદુ
નવાઈની વાત એ છે કે, મોટે ભાગે આ વિસ્તારની ધરતીમાં થતો સળવળાટ ચોમાસા બાદ શિયાળાની ઋતુમાં સૌથી વધુ જોવા મળે છે. આ કંપનમાં મોટાભાગના આંચકાનું કેન્દ્રબિંદુ ધૂંદલવાડી ગામ છે. આ ગામમાં વેદાંતા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર નામની કોલેજ આવેલી છે. જે ભૂકંપના કેન્દ્રબિંદુક પર જ બનાવવામાં આવી છે.
કોલેજનું કન્સ્ટ્રકશન ખૂબ જ મજબૂત અને ભૂકંપપ્રુફ
આ અંગે વેદાંતા મેડિકલ રિસર્ચ સેન્ટરના ડિન ડૉ. રમેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, કોલેજનું કન્સ્ટ્રકશન ખૂબ જ મજબૂત અને ભૂકંપપ્રુફ છે. એટલે, જ્યારે પણ ભૂકંપનો આંચકો આવે છે. ત્યારે કોઈ ડરનો માહોલ ઉત્પન્ન થતો નથી.
ભૂકંપના આંચકા કચ્છ-સૌરાષ્ટ્રના ભૂકંપ કરતા અલગ
આ વિસ્તારમાં જે ભૂકંપના આંચકા નોંધાઈ છે તે અન્ય સ્થળ જેવા કે કચ્છ-સૌરાષ્ટ્રના ભૂકંપ કરતા અલગ છે. આ વિસ્તારમાં વર્ટિકલ અર્થક્વેક આવે છે. જ્યારે કચ્છ- સૌરાષ્ટ્રમાં હોરિઝોન્ટલ અર્થકવેક આવે છે. હૉરિઝૉન્ટલ અર્થક્વેકની અસર ખૂબ મોટા વિસ્તારને કવર કરે છે. જેમ કે, 2001ના કચ્છમાં આવેલા ભૂકંપના આંચકાનો અનુભવ મુંબઈના લોકોએ કર્યો હતો.
આ પણ વાંચો: 4.2 તીવ્રતાનો ભૂકંપના આંચકાથી ભરૂચ ધ્રુજ્યું, 50 વર્ષમાં 21મો આંચકો
વર્ટિકલ ભૂકંપનું કારણ ગરમ પાણીના ઝરા
એક સમયે તો ભૂકંપના જોરદાર આંચકાનું નિરીક્ષણ કરવા અધિકારીઓ આવ્યા અને ત્યારે જ બીજો આંચકો આવતા તેમની સામે જ એક મકાન ધરાશાયી થઈ ગયું હતું. પ્રશાસને આ વિસ્તારમાં હાલ 2 માળથી વધુ ઉંચી ઇમારતો બનાવવા પર પાબંધી લગાવી છે. આ વિસ્તારમાં આવતા ભૂકંપના આંચકા મોટેભાગે ચોમાસાની સિઝન બાદ ઠંડીના વાતાવરણમાં વધુ આવે છે. જે અંગે એક તારણ એવું કાઢવામાં આવ્યું છે કે, આ વિસ્તારમાં સતવાર, મનોર, વ્રજેશ્વરી વિસ્તારમાં ગરમ પાણીના ઝરા છે. જેમાં વરસાદી પાણી ભળ્યા બાદ તેમાંથી વરાળ ઉત્પન્ન થાય છે. તે જમીન બહાર નીકળવાની કોશિશ કરે છે એટલે ભૂકંપ આવે છે .
ભૂકંપ વખતે હોસ્પિટલ અને શાળા જ મહત્વના આશ્રય સ્થાન
ઘણી વખત એક જ દિવસમાં 15 જેટલા નાનામોટા આંચકા આવે છે. એક મોટા આંચકા દરમિયાન હોસ્પિટલના દર્દીઓ પણ ગભરાઈને ગ્લુકોઝના બાટલા સાથે હોસ્પિટલ બહાર ચોગાનમાં આવી ગયા હતાં. પરંતુ, હોસ્પિટલનું મજબૂત બાંધકામ હોવાથી અહીં ક્યારેય કોઈ નુકસાન થયું નથી. ભૂકંપ જેવી કુદરતી આફત વખતે હોસ્પિટલ અને શાળા જ મહત્વના આશ્રય સ્થાન છે.
આ પણ વાંચો: ગોંડલ પંથકમાં 1.8 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
ઇમારતોમાં રહેનારા લોકો માટે સાવચેતી જરૂરી
ઉમરગામ, વાપી, દમણ અને સેલવાસના વિસ્તારોમાં પણ આ ભૂકંપના આંચકાનો લોકો અનુભવ કરતા આવ્યા છે. અનેકવાર લોકો ગભરાટમાં ઘર બહાર પણ નીકળી જાય છે. ત્યારે, આવા વિસ્તારોમાં આવનારા સમયમાં હાઇરાઇઝ ઇમારતોમાં રહેનારા લોકો માટે સાવચેતી જરૂરી છે.